સુરતઃ સ્કૂલ-કોલેજમાં કોરોનાનો કેસ મળશે તો 7 દિવસ માટે ઓફલાઈન એજ્યુકેશન કરાશે બંધ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળા સંચાલકો અને સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરત મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. જો સ્કૂલ-કોલેજમાં એક પણ કોવિડ-19નો પોઝિટિવ કેસ સામે આવશે તો જે તે સ્કૂલ-કોલેજને સાત દિવસ માટે બંધ કરવામાં આવશે.
સુરતમાં કોરોનાને ડામવા માટે રસીકરણની કામગીરી તેજ બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુની ઉંમરના 75 ટકા લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટતા ધો-9થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. તેમજ સ્કૂલમાં નહીં જતા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર આગામી દિવસોમાં ધો-6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન એજ્યુકેશન માટે વિચારણા કરી રહી છે.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતમાં પહેલા જો કોઈ પોઝિટિવ કેસ મળે તો બે દિવસ સ્કૂલ બંધ રાખવામાં આવતી હતી, પરંતુ હવે સાત દિવસ સ્કૂલ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત કોલજોમાં અભ્યાસ 18 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ માટે વેક્સીન ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કરાયું છે. મનપા દ્વારા યુનિવર્સીટી કેમ્પસ ખાતે વેક્સીનેશન સેન્ટર અગાઉ ઉભું કરવામાં આવ્યું છે. શહેરમાં દિવાળી પહેલા 100 ટકા વસ્તીને મહાનગર પાલીકાનું આયોજન છે.