અમદાવાદઃ ભારત સહિત દુનિયાના અનેત દેશો ગ્લોબસ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરતમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 4.63 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વર્ષ 2022માં કુલ 5 વનકુટિર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
વૃક્ષોના વાવેતર અને ઉછેર થકી પર્યાવરણના સંરક્ષણ માટે સામાજિક વનીકરણ વિભાગ- સુરત દ્વારા સુરત જિલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન વિવિધ મોડેલ જેવા કે પટ્ટી (રસ્તા, નહેરની બાજુ), ગ્રામવાટિકા, ફાર્મ ફોરેસ્ટ્રી, વૃક્ષખેતી તથા અન્ય પ્રકલ્પ મળી કુલ 568 સ્થળ પર 4.63 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જે પૈકી 169 લાભાર્થીઓ ખેડુતોની 167 હેક્ટર પડતર જમીનમાં ફાર્મ ફોરેસ્ટ્રી તથા 117 લાભાર્થીઓની 160 હેક્ટર જમીન પર વૃક્ષખેતી તેમજ 143 લાભાર્થીઓની 180 હેક્ટર જમીન પર રોપા વાવી કુલ 429 લાભાર્થીઓની 568 હેક્ટર જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
72મા વન મહોત્સવ હેઠળ આ વર્ષે ચોમાસામાં ખાતાકીય 24 નર્સરીઓ તથા વ્યક્તિગત 31 જેટલી કિસાન/ગૃપ નર્સરીઓ મળી કુલ 55 નર્સરીઓમાં 22.52 લાખ રોપાઓ ઉછેરી વિવિધ સંસ્થાઓ,ખેડૂતો, પંચાયતો વિગેરેને રોપાઓ વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ષ 2022માં કુલ 5 વનકુટિર બનાવવામાં આવશે. જે પૈકી માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ ખાતે કુટિર અને પવિત્ર વન તથા વેલાછા ગામમાં કુલ 2 પંચવટી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.