અમદાવાદઃ કેન્દ્ર સરકારે દેશભરમાં સ્માર્ટ વીજ મીટર લગાવીની જાહેરાત કરેલ છે તે પ્રોજેકટ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગુજરાતનાં સુરત શહેરમાં 40 લાખ સ્માર્ટ પ્રી-પેઇડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના પીપલોદ ખાતે આવેલા પાલિકાના સુમન સેલ એપાર્ટમેન્ટના 825 જેટલા ફ્લેટની અંદર સ્માર્ટ પ્રી-પેઇડ વીજ મીટર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાડવામાં આવ્યા છે.
માત્ર એક એપ્લિકેશનની મદદથી મોબાઈલમાંથી જ દક્ષિણ વીજ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ વીજ ગ્રાહકને સરળતાપૂર્વક મળી રહેશે. જેમાં વીજ વપરાશથી લઈને વીજબિલ સુધીની સુવિધાઓ પણ મોબાઇલમાં મળી રહેશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રી-પેઇડ વીજ મીટર લગાડવા માટે બે તબક્કામાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા દરેક સુવિધાઓને અધતન ટેકનોલોજી સાથે જોડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં હવે વીજ મીટરને પણ સ્માર્ટ વીજ મીટર બનાવવામાં આવ્યા છે. બે અલગ અલગ તબક્કાઓની અંદર 40 લાખ સ્માર્ટ વીજ મીટર લગાડવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ મેદાને ઉતરી છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા પાલિકા સંચાલિત સુમન સેલ એપાર્ટમેન્ટ ના 825 ફ્લેટમાં સ્માર્ટ પ્રિ-પેઇડ વીજ મીટર લગાડવામાં આવી રહ્યા છે. આ વીજ મીટર લગાડ્યા બાદ વીજ સંબંધિત તમામ સમસ્યાઓમાંથી વીજ ગ્રાહકોને છુટકારો મળી રહેવાનો છે. વીજ સંબંધિત સમસ્યાઓ હોય કે પછી વીજ બીલ અંગેની જાણકારી માટે ગ્રાહકોએ કચેરી સુધી નહીં લંબાવવું પડે. માત્ર મોબાઇલની અંદર જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની એપ્લિકેશન પરથી ગ્રાહકે કેટલો વીજ વપરાશ કર્યો છે અને તેનું હાલનું બિલ કેટલુ છે તેની તમામ જાણકારી પણ માત્ર આંગળીના ટેરવે મળી રહેવાની છે.
ઉપરાંત ગ્રાહકો પોતાનું વીજ બીલ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ભરી શકે તે માટે 100 રૂપિયાથી લઈ 1 લાખ રૂપિયા સુધીના રિચાર્જની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તમામ સ્માર્ટ વીજ મીટરનું મોનિટરિંગ કાપોદ્રા ખાતે આવેલી દક્ષિણ ગુજરાતની મુખ્ય કચેરીએ આવેલ “નેટવર્ક ઓપરેશન કમ મોનિટરીંગ સેન્ટર” પરથી કરવામાં આવશે.
સૌથી મહત્વની બાબત એ છે કે, આ સ્માર્ટ વિજમીટરની અંદર ગ્રાહક 300 રૂપિયા સુધી બિલ નહીં ભરે ત્યાં સુધી કંપની તરફથી વીજ મીટર બંધ નહીં કરવામાં આવે. આ માટે ગ્રાહકના રજિસ્ટ્રેશન કરેલા મોબાઈલ નંબર પર વીજ કંપની દ્વારા છ વખત નોટિફિકેશન પણ મોકલવામાં આવશે. તેમ છતાં ગ્રાહક બિલ નહીં ભરે ત્યારબાદ મીટર ઓટોમેટિક બંધ થઈ જશે અને ગ્રાહકને વીજ સપ્લાય મળતો પણ બંધ થઈ જશે. જો કે ગ્રાહક પોતાના મોબાઈલમાં રહેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સ્માર્ટ વીજ મીટર એપ્લિકેશનમાંથી રિચાર્જ કરાવશે તો તરંત જ 15થી 20 સેકન્ડની અંદર જ વીજ પુરવઠો ફરી કાર્યરત થઈ જશે. તેવી સુવિધાઓ આ સ્માર્ટ પ્રી-પેઇડ વીજ મીટરમાં આપવામાં આવી છે. જે એક મોબાઈલ રિચાર્જની સિસ્ટમ આ સ્માર્ટ પ્રી-પેઇડ મીટરમાં આપવામાં આવી છે.