અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિના હજુ ગઈકાલે જ પૂર્ણ થયો છે. ગઈકાલે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દરમિયાન ડાયમન્ડ સિટી તરીકે જાણીતા સુરતના વેસુમાં ચંદ્રશેખર મહાદેવ મંદિરમાં 51 કિલો સોના-ચાંદીથી બનેલા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સોનુ, ચાંદી, તાંબુ, પીતળ, કાંસ અને લોખંડની મિક્ષ ધાતુંથી બનેલુ આ પ્રથમ શિવલિંગ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
મંદિર સાથે જોડાયેલા સંતોષ ગાડિયાએ જણાવ્યું હતું કે, વિશાળ શિવલિંગનું નિર્માણ પાંડેસરાની મેટલ ફેકરીમાં કરાયું છે. આ શિવલિંગમાં 51 કિલો સોનુ-ચાંદી, 450 કિલોગ્રામ તાંબુ, પીતળ, કાંસુ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે, વિશાળ ચંદ્રશેખર મહાદેવ મંદિરમાં અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જાણીતા પંડિતોની હાજરીમાં વૈદિક વિધી સાથે મહાદેવના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં 40 વ્યક્તિઓની ટીમ જોડાયેલી હતી. વિવિધ ધાતુઓને યોગ્ય તાપમાનથી ઓગાળીને શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. અનેક ધાતુઓની મદદથી બનેલા શિવલિંગના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગની સાથે ધર્મ-કર્મ અને સમાજસેવા માટે જાણીતા સુરત શહેરમાં અગાઉ પણ અદભુત શિવલિંગ બનાવાયું હતું. 2017માં અહીંના સ્પાર્કલમાં જ્યોતિલિંગ સોમનાથની પ્રતિકૃતિ રૂપે 22 ફુટના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બે કિલો સોનું, 75 હજાર હીરા અને 5 હજાર રૂદ્રાશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.