Site icon Revoi.in

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારાની હિલચાલ સામે સુરતના કેડ્રાઈએ કરી રજુઆત

Social Share

સુરતઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. જંત્રીના ભાવમાં વધારો થતાં જમીન અને મકાનોની કિંમતમાં પણ વધારો થશે. એક વર્ષ પહેલા જંત્રી દરમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત જંત્રી દરમાં વધારો કરવાની સરકારે તૈયારી શરૂ કરી છે. જંત્રીના દર વધારાથી મકાનો અને પ્રોપર્ટી ટેક્સ સહિત દસ્તાવેજના ખર્ચ પણ ડબલ થઇ જશે. જેની સીધી અસર મિડલ ક્લાસ અને અપરમિડલ ક્લાસના લોકો પર પડશે. ત્યારે સુરત ક્રેડાઈ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે. અને એવી માગણી કરવામાં આવી છે કે, જંત્રીના દર એક સાથે નહી પણ તબક્કાવાર વધારવાની માગણી કરી છે.

સુરત શહેરમાં વસતી અને વિસ્તારમાં પણ વધારો થયો છે. અને તેથી મકાનોની માગ પણ વધી રહી છે. શહેરમાં હાલ અંદાજે 1,000થી પણ વધુ અંડર કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી છે. જો જંત્રીના દરમાં વધારો થશે તો પ્રોપર્ટી તેમજ ફ્લેટ ખરીદવાની તૈયારી કરનારા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.  એક વર્ષ પહેલા સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જો ફરી જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવે તો મિડલ ક્લાસ અને અપરમીડલ ક્લાસ વર્ગના લોકોને મુશ્કેલી થઈ શકે છે. કારણ કે, તેઓને પ્રોપર્ટી ટેક્સ દસ્તાવેજ સહિતના જે પણ ખર્ચ છે તે ડબલ થઇ જશે. જંત્રી વધારવાથી ભલે સરકારને આર્થિક લાભ થાય પરંતુ જે લોકો પ્રોપર્ટી ખરીદવા માંગે છે તેમની ઉપર મોટી અસર જોવા મળશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી પણ આવી શકે તેમ છે.

સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા એક બિલ્ડરના કહેવા મુજબ  સુરતમાં માર્કેટનો રેટ અને જંત્રીનો દર બંનેમાં વિસંગતતા છે. જે છેલ્લા 10 વર્ષથી જોવા મળે છે. જે અંગે ક્રેડાઈ દ્વારા અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે. અમે માનીએ છીએ કે, જંત્રી દર વધારવો જોઈએ. જેથી ધીમે ધીમે માર્કેટ અને જંત્રીનો દર એક સમાન થઈ જાય. જોકે તે માટે એક સાથે નહીં પરંતુ દર વર્ષે 5 ટકા વધારવો જોઈએ. જો સરકાર એકસાથે વધારો કરે તો ડેવલોપર્સ અને લેનાર વ્યક્તિ ઉપર આકસ્મિક બોજો આવી શકે છે. માર્કેટ રેટ નક્કી કરવા માટે કોઈ પેરામીટર હોતું નથી. માર્કેટ ડિમાન્ડ અને સપ્લાય પર હોય છે. આપનારા અને લેનારાની ગરજ પર હોય છે.

સુરતના બિલ્ડરોના કહેવા મુજબ જંત્રીના દર વધારાથી મકાન ખરીદવા માગતા લોકો પર વધુ ભારણ આવશે. 3 BHK ફ્લેટનો દસ્તાવેજ સામાન્ય પરિવાર કરે તો ખર્ચમાં વધારો થશે. માનીએ કે આ ફ્લેટની કિંમત 60 લાખ રૂપિયા છે. તેના 6 ટકા લેખે 3.50 લાખ રૂપિયા ખર્ચો થાય. માનો કે સરકાર માર્કેટ વેલ્યુ ડબલ કરી દે છે. તો એ જ ફ્લેટ 1.20 કરોડનો થઈ જશે તો સ્ટેમ્પ ડ્યુટી સહિત દસ્તાવેજ વ્યક્તિને ડબલ થઇ જશે અને 3.50 લાખની જગ્યાએ 7 લાખ રૂપિયાનો ખર્ચ થશે. એનાથી સરકારને આવક થશે, પરંતુ કેપિટલ જનરેટ થતાં પણ વાર લાગે છે. જોકે જંત્રી વધે તો મલ્ટીનેશનલ કંપનીઓ કે જે વાઈટમાં વ્યવહાર કરે છે તે આવશે અને શહેરમાં વિકાસ પણ જોવા મળશે.