- SMCએ 83 શાળાઓનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવ્યો,
- 26 શાળાઓને સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ,
- 11 શાળાઓમાંથી બાળકોને સ્થળાંતરિત કરાયા
સુરતઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનના સ્કુલ બોર્ડ હસ્તક 83 શાળાઓ આવેલી છે. જેમાં 26 જેટલી સ્કૂલાના બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, જેમાં 11 જેટલી શાળાઓના બાળકોને અન્ય શાળાઓમાં સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી મ્યુનિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા જાય છે. શહેરના મધ્યમ વર્ગના વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડતી નહોવાથી મ્યુનિ.ની શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. બીજીબાજુ મ્યુનિની કેટલીક શાળાઓના મકાનો જર્જરિત હાલતમાં છે. ત્યારે વહેલી તકે મકાનોની મરામત અથવા શાળાના નવા મકાનો બનાવવાની માગ ઊઠી છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરની તમામ જર્જરિત તમામ ઈમારતોના માલિકોને નોટિસ આપવામાં આવી રહી છે અને કેટલાક સ્થળો પર ત્યાં રહેનારા લોકોને મકાન ખાલી કરાવી ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જ્યારે મ્યુનિની શાળાઓના જર્જરિત બનેલી બિલ્ડિંગો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મ્યુનિ. દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની સ્કૂલોનો બે વર્ષ પહેલા સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જેમાં 83 સ્કૂલો પૈકી 26 સ્કૂલોનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો., જે સ્કૂલોના બિલ્ડિંગનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તે પૈકી 2 સ્કૂલમાંથી એક વર્ષ 2002 અને બીજી 2003માં તૈયાર કરવામાં આવી હતી.
સુરત મ્યુનિની સામાન્ય સભામાં મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, મ્યુનિ. સંચાલિત કુલ 83 સ્કૂલોનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 26 સ્કૂલોનો રિપોર્ટ નેગેટિવ હતો. તે પૈકી 6ને ઉતારી પાડવામાં આવી છે અને 11માંથી બાળકોને સ્થળાંતરિત કરી અન્ય સ્કૂલોમાં ખસેડાયા છે. જે શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે શાળાના બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે ત્યાં નવી બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે. બે વર્ષમાં આ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે.