સુરતઃ રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાને લીધે સોલાર ઊર્જાને વેગ મળી રહ્યો છે. લોકો પોતાના ઘરના ધાબા કે છત પર સોલાર પેનલો લગાવીને વીજ બિલમાં મોટી રાહત મેળવી રહ્યા છે. ત્યારે સુરત મ્યુનિ.કોર્પોરેશને પણ પોતાની કચેરીઓ અને મિલકતો પર સોલાર પેનલો લગાવી વીજળી ઉત્પન્ન કરી વર્ષે 6.18 કરોડની બચત કરી છે. એસએમસીના 65 જેટલી મિલકતો પર સોલાર પેનલ લગાડવામાં આવી છે. એટલું જ નહીં પાટણ બાદ હવે બનાસકાંઠામાં પણ સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સોલાર પ્લાન્ટ ઊબો કરાશે. જેના કારણે મ્યુનિ.ને વિજળીના ખર્ચમાં કરોડો રૂપિયાની રાહત મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત મ્યુનિ.કોર્પોરેશને સુએઝ પમ્પિંગ સ્ટેશન પર સ્થાપિત સોલાર પેનલ થકી ઊર્જા સંરક્ષણમાં સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રાંદેર, વરાછા, ઉધના અને ઉમરા નોર્થ સુએઝ પમ્પિંગ સ્ટેશન સૌથી મોટા પાવર જનરેટીંગ સ્ટેશન બન્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઊર્જાની જરૂરિયાતના 36 ટકાથી વધુ રિન્યુએબલ એનર્જીમાંથી લેવામાં આવે છે. જેના કારણે સુરત મ્યુનિ.ને સોલાર પેનલ લગાડવાથી એક જ વર્ષમાં 6.18 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. સુરત મહાનગરપાલિકા પોતાની તમામ 64 જેટલી સરકારી મિલકતો ઉપર જેમાં સરકારી સ્કૂલ સહિત ઝોન ઓફિસ અને અલગ અલગ પ્લાન્ટ સામેલ છે ત્યાં સોલર પેનલ થકી કરોડો રૂપિયાની બચત કરી રહી છે.
સુરત સ્ટે મ્યુનિ.કોર્પોરેશના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય દિપેન દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત મ્યુનિ.કોર્પોરેશને દ્વારા શહેરના અલગ અલગ જગ્યાઓ ઉપર સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. કોર્પોરેશનની તમામ મિલકતો પર સોલર પ્લાન્ટ લગાડવામાં આવ્યો છે. 64 અલગ-અલગ સરકારી મિલકતો છે. જેમાં કોર્પોરેશનની સ્કૂલ, ઝોન ઓફિસ, ફાયર સ્ટેશન સહિત તમામ મિલકતો પર સોલાર પ્લાન્ટ લગાડવામાં આવ્યો છે. આ ઉપરાંત પાટણમાં બમરોલી ગામમાં 10 મેગા વોટનો સોલાર પ્લાન્ટ છે. કુલ 19 મેગા વોટનો પ્લાન્ટ હાલ કાર્યરત છે. જેની કુલ કેપિટલ કોસ્ટ 43.26 કરોડ રૂપિયા છે. ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેની સામે 39.54 વીજ બચત થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગત મ્યુનિ.ને નાણાકીય વર્ષમાં 6.18 કરોડ રૂપિયાની બચત થઈ હતી. આવનારા વર્ષમાં સાત કરોડથી ઉપર બચત થશે તેવું અનુમાન છે. બનાસકાંઠામાં અમે વધુ એક સોલાર પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છીએ. 55.56 કરોડના ખર્ચે 10 મેગા વોટનો આ પ્લાન્ટ રહેશે. જેના થકી 9.50 કરોડ રૂપિયાની વીજ બચત રહેશે. જાન્યુઆરી 2025ની અંદર આ કાર્ય પૂર્ણ થઈ જશે.