Site icon Revoi.in

સુરત મ્યુનિ.કોર્પોરેશન કચરામાંથી કંચન મેળવશે, કચરો પ્રતિટન રૂપિયા 600ની કિંમતે NTPCને વેચશે

Social Share

સુરતઃ ગુજરાતના મહાનગરોમાં એકઠા થતાં કચરાના નિકાલની વિકટ સમસ્યા હોય છે. શહેરભરમાંથી એકત્ર થતા કચરાના ડુંગરો ખડકાતા જાય છે. તેના લીધે પર્યાવરણના પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરત મ્યુનિ.કોર્પોરેશને કચરામાંથી કંચન મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હાલ સુરત શહેરમાં દૈનિક 2200 મેટ્રીક ટન જેટલો કચરો એકત્ર થાય છે, જે મ્યુનિની ટીમ ડોર ટુ ડોર કચરો એકત્ર કરે છે હાલ એકત્ર કરાતા કચરાને ખજોડની ડમ્પીંગ સાઇટ પર નિકાલ કરવામાં આવે છે. મ્યુનિ.એ આ કચરાના નિકાલ માટે એનટીપીસી સાથે એમઓયુ કર્યા છે. મ્યુનિ. 600 મેટ્રીક ટન કચરાને પ્રોસેસ કરવા માટે એનટીપીસીને આપશે. એનટીપીસી દૈનિક 600 મેટ્રીક ટન કચરો પ્રતિ ટન રૂા. 600ના ભાવથી વીસ વર્ષ સુધી કચરાની ખરીદી કરશે. વેસ્ટ ટુ એનર્જી હેઠળ મ્યુનિ. દ્વારા કાર્યક્રમ હાથ ધરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેર નજીક આ માટે એનટીપીસી દ્વારા રૂા. 250 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે. જેમાં કચરામાંથી એનર્જી પેદા કરવામાં આવશે. હાલમાં જે ખજોદ સાઇટ પર કચરાનો નિકાલ કરવામાં આવે છે તેના સામે કાંઠા વિભાગના કોળી સમાજ દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. આ સાઇટને લઇને મ્યુનિ. આમ પણ વિવાદમાં છે. હવે મ્યુનિ.એ કચરાના કાયમી નિકાલ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી છે. એનટીપીસી સુરત મ્યુનિ.કોર્પોરેશન પાસેથી દૈનિક 600 મેટ્રીક ટન કચરો ખરીદીને હજીરા પાસે કવાસ ખાતે નવો પ્લાન્ટ ઉભો કરશે. જે પાછળ એનટીપીસી રૂા. 250 કરોડનું રોકાણ કરશે. કંપનીને પ્લાન્ટ સ્થાપિત કરવામાં બેથી અઢી વર્ષનો સમયગાળો લાગે તેમ છે. કરાર મુજબ મ્યુનિ.વીસ વર્ષ સુધી કચરો આપશે, જેથી ખજોદ સાઇટ પર કચરાનું ભારણ ઘટશે. તેમજ એનટીપીસીની જરૂરિયાત મુજબ વધુ કચરો પણ આપવામાં આવશે. કચરાના નિકાલથી સુરત મ્યુનિ.કોર્પોરેશનને અંદાજે રૂા. 262 કરોડની કમાણી થવાની શક્યતા છે.