સુરત રેલવે સ્ટેશનનો 1,475 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થશે
- રાજ્યના 87 રેલવે સ્ટેશનમાં આધુનિકરણ કરાશે
- સુરત રેલવે સ્ટેશનને મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે
- 2027 સુધીમાં સુરત સ્ટેશનની કામગીરી પૂર્ણ કરાશે
અમદાવાદઃ રેલવે મંત્રાલય દ્વારા 1,475 કરોડ રૂપિયાના ખર્ચે સુરત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરાશે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય 87 સ્ટેશનોમાં પણ આધુનિકરણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, “સુરત રેલવે સ્ટેશનને મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 980 કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.” રેલવે દ્વારા 2027 સુધીમાં સુરત સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સમગ્ર સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર કેન્દ્રની સમકક્ષ બનશે.
ભારતમાં રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હાલ અમદાવાદ રેલવે સ્ટેશનના ડેલવોપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે. દેશના રેલવે સ્ટેશનો ઉપર પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ પુરી પાડવા માટે રેલવે વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જ્યારે વંદે ભારત સહિતની આધુનિક ટ્રેનો પણ શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત દેશની પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરી તેજ ગતિએ ચાલી રહ્યું છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. આ અંગે જમીન સંપાદન સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશના તમામ શહેરો અને નગરોને રેલવે વ્યવહારથી જોડવા માટે રેલવે મંત્રાલય દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.