સુરતઃ શહેરમાં કોરોનાને લીધે મીની લોકડાઉન છે, ત્યારે સુરતવાસીઓ પણ નવરાશની પળોમાં હરવા-ફરવાનું છોડતા નથી. હાલ તાઉ-તે વાવાઝોડાને લીધે સમુદ્ર કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે, ત્યારે આજે રવિવારની મોજ મહાણવા માટે ઘણા સુરતવાસીઓએ તોફાની દરિયાને નિહાળવા માટે ડુમસ બીચ તરફ દોટ મુકી હતી. જોકે બીચ નજીક પહોંચે તે પહેલા જ તમામ લોકોને પોલીસ અને સ્થાનિક લોકોએ સમજાવીને પરત મોકલી દીધા હતા.
તાઉ-તે વાવાઝોડાને લીધે સુરતના ડુમસ બીચને બંધ કરી દેવામાં આવ્યો છે. સુરતીઓ પોતાના સ્વભાવગત રવિવારે મોટી સંખ્યામાં ઘરેથી બહાર નિકળતા દેખાયા હતા. સવારે જ ડુમસ તરફ જતા સહેલાણીઓ નજરે પડ્યા હતા. ડુમસ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનોની અવરજવર પરથી જ અંદાજ લગાવવામાં આવતો હતો કે રવિવાર હોવાથી સુરતીઓ લટાર મારવા નીકળ્યા છે. જોકે, પોલીસ અને ગામલોકોએ ડુમસ દરિયા કિનારા તરફ જતા સુરતીઓને સમજાવીને પરત મોકલ્યા હતા. વાવાઝોડાના કારણે વધુ જોરદારપવન ફૂંકાય રહ્યો હતો. તેમજ ભારેથી અતિભારે વરસાદ પણ થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. તેથી દરિયાકાંઠા તરફ જવું જોખમી પૂરવાર થઈ શકે છે. સ્થાનિક લોકોએ વાવાઝોડાની ગંભીરતા જોતા શહેર તરફથી આવતા સહેલાણીઓને સમજાવી દરિયાકિનારે ન જવા સૂચન કર્યું હતું.
વહીવટી તંત્ર દ્વારા ગઇકાલે જ ડુમસ દરિયાકિનારો તેમજ સુવાલી દરિયાકિનારો સહેલાણીઓ માટે બંધ કરી દેવાયો હતો તેમજ કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરી દેવાયા હતા ઓલપાડ, ચોર્યાસી તાલુકાના અને મજુરાના ગામોને એલર્ટ કરી સ્થાનિકોને માછીમારી કરવા ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે દરિયાકાંઠાના કાચા-પાકા ઘરમાં રહેતા લોકોને અન્ય સ્થળે ખસેડવા માટેની પણ તૈયારી વહીવટીતંત્રે કરી લીધી છે. સુરતીઓ સામાન્ય રીતે કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા હતા. પરંતુ અત્યારે જ્યારે કોરોના સંક્રમણ ઓછું થયું છે. તેવી માનસિકતા થતાં આજે ફરી સવારે સુરતીઓ લટાર મારવા નીકળ્યા હતા. આવી જોખમી સ્થિતિમાં પણ સુરતીઓ મોજ મસ્તી કરવાનું ટાળતા નથી. વહીવટીતંત્ર વારંવાર સૂચના આપે છતાં પણ દરિયા કિનારા તરફ જવાનું જોખમી સાહસ કરી રહ્યા છે.