સુરતઃ રૂ. એક કરોડના ગાંજા સાથે પોલીસે એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારના નેટવર્કને ધ્વંસ કરવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સુરતમાંથી ક્રાઈમબ્રાન્ચે રૂ. એક કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરીને અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી. ગાંજાને મીની ટ્રકમાં સુરત લાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ક્રાઈમબ્રાન્ચને ગાંજાની હેરાફેરી અંગે બાતમી મળી હતી. જેથી નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાના આધારે પોલીસે મીનિ ટ્રક અટકાવી હતી. તેમજ તેની તપાસ કરતા અંદરથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી એક કરોડથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
પોલીસે ગાંજા સાથે અરુણ મહાદીપ નામના શખ્સની ધરપકડ કરી હતી. ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો અરૂણ મીનિ ટ્રકમાં આ ગાંજો લાવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અન્ય આરોપીઓના નામ ખુલવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ગાંજો ક્યાંથી અને કોની પાસેથી રોપી લાવ્યો હતો તે અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસે જામખંભાળિયા, મોરબી, અમદાવાદ ગ્રામ્ય અને સુરતમાંથી ટ્રગ્સના વિવિધ કેસમાં આરોપીઓની ધરપકડ કરીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરમિયાન આજે ગાંજા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આમ નશીલા દ્રવ્યો સામે પોલીસે શરૂ કરેલા અભિયાનમાં મોટી સંખ્યામાં માદક પદાર્થો ઝડપી લેવામાં આવ્યાં છે.