સુરતઃ શહેરમાં રખડતા ઢોર માટે નવી પોલીસીના અમલ બાદ પશુઓનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ હાલ ફરીવાર રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં ખાડી પુલ નજીક રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિ.ની ટીમ પર પશુપાલકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક કર્મચારીને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
શહેરના પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગયેલી એસએમસીની ટીમ પર પશુ પાલકોએ હુમલો કર્યો હતો. જેમાં એક કર્મચારીને માથાના ભાગે ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મ્યુનિ. દ્વારા રખડતા ઢોરો પર અંકુશ મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવીને વિવિધ ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં ગયેલી ઢોર પાર્ટી ઉપર પશુ પાલકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં પાલિકાની ટીમ ઢોર પકડવા ગઈ હતી. તે દરમિયાન ઢોરને પકડી પાડી લઈ જતી વખતે પશુ માલિક અને તેના પરિવારના લોકો દોડી આવ્યા હતા. મ્યુનિ.ની ટીમ દ્વારા જે ઢોરને જપ્ત કરવામાં આવ્યા હતા તેમને છોડાવવા માટે પશુ માલિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં પશુ માલકો દ્વારા મ્યુનિ.ની ટીમ વચ્ચે ઉગ્ર ચાલી થઈ હતી અને ત્યારબાદ પશુ માલિકના પરિવાર તરફથી એક યુવકે દંડા વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું. જેને કારણે એક કર્મચારીને માથાના ભાગે ઇજા પણ થઈ છે. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી ઈજા પહોંચાડનારા શખસની સામે ગુનો દાખલ કરવામાં આવશે.