અમદાવાદઃ સુરતના રાંદેર અને કતાર ગામ ઝોનમાં પાણીની સમસ્યાના કાયમી ઉદેલ માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બંને ઝોનના અનેક વિસ્તારોમાં ટ્રીટેડ પાણીના જથ્થાના આયોજનના ભાગરૂપે વરિયાવ ખાતે ઈન્ટેકવેલ તથા જહાંગીરપુરા સબસ્ટેશન માટે ઉપલબ્ધ જગ્યામાં વોટર ટ્રીય પ્લાન્ટ, બુસ્ટર હાઉસ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, રો-વોટર ટ્રાન્સમિશન લાઈન બનાવવાનું મનપાએ નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 314.65 કરોડની કોસ્ટ તથા પાંચ વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સ ખર્ચ પાછળ 4.35 કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મનપાની પાણી કમિટીની બેઠકમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે બન્ને તબક્કા પાછળ કુલ 223 કરોડના ખર્ચનો અંદાજ છે. અમૃત 2.0 હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી 55.88 કરોડ, રાજ્ય સરકાર પાસેથી 55.88 કરોડ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ 13.24 કરોડ અને 15માં નાણાપંચ હેઠળ 98.50 કરોડની ગ્રાન્ટ મળવાનો અંદાજ છે.
વરિયાવ ખાતે 400 એમએલડી ક્ષમતાના ઇન્ટેકવેલ તથા 250 એમએલડી ક્ષમતાના ડબ્લ્યુટીપી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બુસ્ટર હાઉસ સહિતની અંડરગ્રાઉન્ડ ટાંકી, રો-વોટર ટ્રાન્સમિશન લાઇન ઉપરાંત ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, અન્ય કામગીરી માટેના અંદાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ-2037ની વસતિના અંદાજને ધ્યાને રાખી આ આયોજન મનપા દ્વારા કરવામાં આવી છે. અઠવા અને રાંદેર ઝોનના હયાત વિસ્તારોની ટ્રીટેડ પાણીની જરૂરિયાતને પણ ધ્યાને રાખી જહાંગીરપુરા ખાતે 250 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાદ રોડ, રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટના કામો પણ હાથ માં લેવામાં આવશે.