સુરતઃ શહેરમાં ગરમીને લીધે ગેસ્ટ્રો ટાઈસીસ તેમજ વાયરલ ફીવરની બિમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વાયરલ ફીવરના તો ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સવારથી લાંબી લાઈનો લાગી જાય છે. જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે. ગરમીમાં લોકોએ વધુ તકેદારી રાખવા તેમજ બજારૂ વાસી ખોરાક ન આરોગવા મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે.
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થયો છે. એપ્રિલ મહિનો વધુ આકરો બનવાની શક્યતા છે. જો કે અન્ય શહેરા કરતા સુરતમાં મહત્તમ તાપમાન એકાદ-બે ડિગ્રી ઓછું નોંધાતુ હોય છે. પણ હાલની ગરમીમાં પણ લોકોમાં માંદગીનું પ્રમાણ વધી ગયું છે. શહેરની સુરતની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે, ગરમીના કારણે વાયરલ ફીવર સહિતના કેસોમાં વધારો નોંધાયો છે. જ્યારે ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. ગરમીને લીધે ગેસ્ટ્રોટાઈસીસ અને વાયરલ ફીવરના કેસમાં વધારો થતાં મ્યુનિ કોર્પોરેશનની આરોગ્ય વિભાગે લોકોને ગરમીમાં કામ વિના બહાર ન નિકળવા તેમજ બજારૂ ખાણી-પીણીમાં ધ્યાન રાખવા અપિલ કરી છે.
સુરત સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત માર્ચ મહિનામાં 74 હજારથી વધુ ઓપીડીના કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના 15 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવાના કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે. જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફીવરની સાથે ગેસ્ટ્રોટાઈટીસ (પેટમાં દુખાવો, નાક ગળામાં દુખાવો અને ઊલટી થવી)ના કેસમાં વધારો થયો છે. તબીબોએ લોકોને સલાહ આપી છે. કે, અસહ્ય ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ, વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, ખુલ્લા પગે ન ચાલવું જોઈએ વગેરે જેવી કાળજી રાખવાથી ગરમીની અસર ઓછી થાય છે.