સુરતઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને SVNITનો 20મો પદવીદાન સમારોહ યોજાશે
અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 12મી ફેબ્રુઆરીના રોજ સોમવારે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં સંસ્થાની 12 વિદ્યાશાખાના 1 હજાર 434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
સંસ્થાના નિયામક અનુપમ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, 1 હજાર 434 પદવીઓમાં 126 પી.એચ.ડી., 805 બી.ટેક., 355 એમ.ટેક, 148 પાંચ વર્ષની ઇન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. ઉપરાંત, 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરાશે. પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં 293 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.