અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 12મી ફેબ્રુઆરીના રોજ સોમવારે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં સંસ્થાની 12 વિદ્યાશાખાના 1 હજાર 434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
સંસ્થાના નિયામક અનુપમ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, 1 હજાર 434 પદવીઓમાં 126 પી.એચ.ડી., 805 બી.ટેક., 355 એમ.ટેક, 148 પાંચ વર્ષની ઇન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. ઉપરાંત, 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરાશે. પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં 293 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.