Site icon Revoi.in

સુરતઃ એરપોર્ટનું નવું વર્લ્ડ-ક્લાસ ટર્મિનલ બિલ્ડીંગ બનશે

Social Share

અમદાવાદઃ ભારતમાં હીરા અને કાપડના વ્યવસાયનું સુરત હબ બન્યું છે. મોટી સંખ્યામાં હવાઈ પ્રવાસીઓને આકર્ષે છે. પેસેન્જર ટ્રાફિકમાં થયેલા ભવ્ય વધારાને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) રૂ. 353 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે એરપોર્ટના સર્વગ્રાહી વિકાસ માટે વ્યાપકપણે કામ કરી રહી છે.

વિકાસ પ્રોજેક્ટમાં હાલના ટર્મિનલ બિલ્ડીંગને 8474 ચો.મી.થી 25520 ચો.મી. સુધી વિસ્તરણનો સમાવેશ થાય છે. ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ ઉપરાંત, એપ્રોનનું પાંચ પાર્કિંગ બેમાંથી 18 પાર્કિંગ બે સુધી વિસ્તરણ અને સમાંતર ટેક્સી ટ્રેક (2905 મીટર X 30 મીટર)નું બાંધકામ પણ પ્રગતિમાં છે.

પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, નવું અત્યાધુનિક વિસ્તૃત ટર્મિનલ બિલ્ડીંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે, જેની વાર્ષિક પેસેન્જર ક્ષમતા 2.6 મિલિયન થશે. તમામ આધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ, ટર્મિનલ બિલ્ડિંગમાં 20 ચેક-ઇન કાઉન્ટર, પાંચ એરોબ્રિજ, ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ, આવતા મુસાફરો માટે પાંચ કન્વેયર બેલ્ટ હશે. નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 475 કારની ક્ષમતા સાથે પાર્કિંગ એરિયા પણ હશે.

ટર્મિનલ 4-સ્ટાર GRIHA રેટેડ ઊર્જા કાર્યક્ષમ ઇમારત હશે જેમાં ટકાઉ સુવિધાઓ હશે. ટર્મિનલ બિલ્ડીંગના આંતરિક ભાગો ગુજરાતની કલા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરશે. ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ માટે 58%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને બિલ્ડિંગ 31મી ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે.

સુરત એરપોર્ટ દેશભરમાં મોટી સંખ્યામાં વેપારી સમુદાયને સવલત પૂરી પાડે છે, કારણ કે તે દેશભરના 16 શહેરો સાથે સીધું જોડાયેલું છે. એરપોર્ટનું નવું વર્લ્ડ-ક્લાસ ટર્મિનલ બિલ્ડીંગ આ ઔદ્યોગિક શહેર સાથેની કનેક્ટિવિટી વધારશે, જેનાથી આ ક્ષેત્રના સર્વાંગી વિકાસને વેગ મળશે.