અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારીને બાઈક પર આવેલા બે શખ્સોએ રિવોલ્વર બતાવીને રૂ. 33 લાખની લૂંટ ચલાવી હતી. લાખોની લૂંટ ચલાવીને લૂંટારૂઓ મોટરસાઈકલ લઈને ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી પેઢીની રકમ લઈને ડિંડોલી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ડિંડોલીના ઓમનગર નજીક ખુલ્લા મેદાન પાસેથી કર્મચારી પસાર થતો હતો ત્યારે મોટરસાઈકલ પણ બે શખ્સો આવ્યાં હતા. આગંડિયા પેઢીનો કર્મચારી કંઈક પણ સમજે તે પહેલા જ બંને શખ્સોએ રિવોલ્વર તાકી હતી. તેમજ તેની પાસેથી રૂ. 33 લાખ મતા ભરેલી બેગ લઈને ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા.
ડિંડોલીમાં લાખોની આંગડિયા લૂંટની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ લૂંટારૂઓને ઝડપી લેવા શહેરના વિવિધ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની કવાયત શરૂ કરી હતી. લૂંટની આ ઘટનામાં જાણ ભેદુની જ સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે આંગડિયા પેઢીના કર્મચારીની પણ આગવી ઢબે પૂછપરછ કરી હતી.
સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, લૂંટારૂઓએ બાઈક ચાલક આંગડીયાના કર્મચારીને અટકાવીને રૂપિયા ભરેલી બેગ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કર્મચારીએ ન આપતા ઝપાઝપી થઈ હતી. આખરે લૂંટારૂઓએ બંદૂક બતાવતાં કર્મચારીને બેગ આપી દેવી પડી હતી. બાદમાં બન્ને લૂંટારૂઓ નાસી ગયાં હતાં.
(PHOTO-FILE)