Site icon Revoi.in

સુરતઃ વર્ષના અંત સુધીમાં પરિવહન માટે 100 ઈલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. હવાનું પ્રદુષણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ઉપર કામગીરી કરી શકે છે. તેમજ પ્રદુષણ ઘટાડવા માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલ ડાયમન્ડ સિટી સુરતમાં 50 જેટલી ઈ-બસ માર્ગો ઉપર દોડી રહી છે. જ્યારે વર્ષના અંત સુધીમાં અન્ય 50 ઈ-બસ દોડતી થઈ જશે. આમ વર્ષના અંત સુધીમાં કુલ 100 ઈ-બસ માર્ગ ઉપર દોડતી જોવા મળશે. એટલું જ નહીં પ્રદુષણને અટકાવવા માટે મનપાના તમામ વાહનોને ઈલેક્ટ્રીક વાહનોમાં ફેરવવાની વિચારણા ચાલી રહી છે.

સુરત મનપાના કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે જાહેર પરિવહનમાં વધારા સાથે ઇંધણ અને પ્રદુષણ બચાવવા માટે મહાનગર પાલિકા વધુને વધુ ઇલેક્ટ્રિક બસો અને શહેરમાં પણ ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે સૂચિત ઇલેક્ટ્રિક વાહનોની નીતિમાં અમલ લાવવા જઈ રહી છે. સુરત મહાનગર પાલિકાએ હાલ 150 જેટલી ઈ-બસોનો ઓર્ડર આપી દીધો છે અને વધુ 150 ઇલેક્ટ્રિક બસોના ઓર્ડર માટે તજવીજ હાથ ધરી છે. આગામી વર્ષ 2024 સુધીમાં 300 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાના લક્ષ્‍યાંક સામે સુરત મહાનગર પાલિકા 500 ઇલેક્ટ્રિક બસ શરૂ કરવા ઈચ્છે છે. સુત્રોના જણાવ્યા અનુસાર હાલ શહેરમાં 1007 જેટલા ટુ વ્હીલર, બસ સહિતના ઇલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે. વર્ષ 2024 સુધીમાં શહેરમાં 40 હજાર ઇલેક્ટ્રિક વાહનો દોડતા થાય તે માટે મહાનગર પાલિકા લોકોમાં જનજાગૃતિ લાવવાના પણ પ્રયત્નો કરશે. પાલિકા દ્વારા ચલાવવામાં આવતી બસની કિંમત 1.07 કરોડની છે. જેના પર સરકાર દ્વારા 45 લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે.