સુરતઃ મનપા સંચાલિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે કુસ્તી સ્પર્ધા યોજાઈ
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં મનપા સંચાલિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 103 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ આ સ્પર્ધામાં 89 મેચ રમાઈ હતી.
શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમતનું સ્તર સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં સહયોગથી શરૂ કરવામાં આવેલ સુમન ખેલકુદ કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં કોચીસ દ્વારા મ્યુનિસિપલ શાળાઓમાં તાજેતરમાં કુસ્તીની રમતની સઘન તાલીમ આપવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને પોતાનું કૌશલ્ય દાખવવાની તક મળે તે માટે મ્યુનિસિપલ સ્કુલોની ટીમ બનાવીને ઈનડોર સ્ટેડિયમ ખાતે કુસ્તીની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓ અને બહેનોની કેટેગરીમાં કુલ 103 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લિધો હતો. કુલ 89 મેચ રમાડવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ દ્વારા ખેલદિલીપૂર્વક હરીફ ખેલાડીઓને બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને આગળ વધારતા, આગામી દિવસોમાં મ્યુનિસિપલ સ્કૂલોના વિદ્યાર્થીઓને ચેસની રમતની તાલીમ આપી, સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવશે.