સુરતઃ રાજ્યના આર્થિકરીતે સૌથી સમૃદ્ધ ગણાતા સુરત શહેરના એરપોર્ટ પરના પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં 13 લાખથી વધુ પેસેન્જરોએ સુરત એરપોર્ટ પરથી અવરજવર કરી છે. જેમાં ડિસેમ્બર 2023માં સૌથી વધુ 1,30,243 જેટલા મુસાફરો નોંધાયા હતા. નવી ફ્લાઈસ શરૂ કરાતા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. સુરતમાં હીરા ઉદ્યાગ અને કાપડ સહિતના ઉદ્યોગોને લીધે બહારના વેપારીઓ પણ ખરીદી માટે ફ્લાઈટ્સ દ્વારા આવન-જાવન કરતા હોય છે. ઉપરાંત શહેરના લોકો પણ અન્ય રાજ્યોમાં ફરવા જવા માટે ફ્લાઈટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટનથી દુબઇની નવી ફ્લાઇટની સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવતા હવે 2024નું વર્ષ સુરત એરપોર્ટ માટે મહત્વનું બની રહેશે. છેલ્લા એક વર્ષંમાં 13 લાખથી વધુ મુસાફરો નોંધાતા આ વર્ષે રેકોર્ડ તૂટે તેવી શક્યતા જોવાઇ રહી છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ જાન્યુઆરીથી ડિસેમ્બર 2023ના 12 મહિનામાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 13,03,271 પેસેન્જરની અવરજવર રહી હતી. વર્ષ 2023માં સુરત એરપોર્ટ પર 12,45,321 ડોમેસ્ટિક અને 57,950 ઈન્ટરનેશનલ પેસેન્જર મળી કુલ 13,03,271 પેસેન્જર નોંધાયા છે. 2023નાં વર્ષમાં સુરત એરપોર્ટ પર કુલ 5,340 મેટ્રિક ટન કાર્ગોની હેરફેર રહી હતી. સૌથી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટનેશનલ પેસેન્જર વર્ષના અંતિમ મહિને ડિસેમ્બરમાં નોંધાયા છે. ડિસેમ્બરમાં સર્વાધિક 1,22,451 અને 7,792 ઈન્ટરનેશનલ પેસેન્જરની અવરજવર રહી હતી. ડિસેમ્બરમાં 401 મેટ્રિક ટન કાર્ગોની પણ હેરફેર થઈ હતી. વર્ષ 2023માં 13,262 ડોમેસ્ટિક અને 367 ઈન્ટરનેશનલ ફલાઈટની મૂવમેન્ટ રહી હતી. 17 ડિસેમ્બરથી એરઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા અઠવાડિયામાં 4 દિવસ દુબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટ બાદ હવે ઈન્ડિગો દ્વારા પણ દુબઈની ફ્લાઈટની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં હોંગકોંગ અને થાઈલેન્ડની પણ ફ્લાઈટ શરૂ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત અનેક ડોમેસ્ટિક ફ્લાઈટો પણ શરૂ થવાની સંભાવના હોવાથી 2024માં સુરત એરપોર્ટ પર સર્વાધિક પેસેન્જરોની અવરજવર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.