સુરતઃ શહેરમાં ડોમેસ્ટીક એરપોર્ટનું વિસ્તરણ કર્યા બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા દુબઈ, સહિત વિદેશી ફ્લાઈટ્સ શરૂ કરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. હવે ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તૃતિકરણ માટે સરકારે રૂપિયા 215 કરોડ ફાળવ્યા છે. જેના માટે ખાનગી જમીનોના સંપાદન માટે મંજુરી આપી દેવામાં આવી છે. એરપોર્ટ નજીક આવેલા મગદલ્લાના કુલ 20 સર્વે નંબરોની 80643 ચોરસ મીટર ખાનગી જમીન સંપાદન કરાશે. જમીન સંપાદન કરવા માટે સરકાર વર્ષ 2013ના સંપાદન નિયમ પ્રમાણે વળતર પણ ચૂકવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આ અંગે પત્ર વ્યવહારો કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે ડિસેમ્બર 2024માં એમઓયુ કરવા માટેની વહિવટી મંજૂરી પણ આપી દીધી છે. ખાનગી જગ્યાના કાયમી સંપાદન માટે 2023-24 વર્ષના બજેટમાં રૂપિયા 215 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી હતી. શહેરના મગદલ્લાની જમીન મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સુરત એરપોર્ટ પર કેચ-1 એપ્રોચ લાઇટ સિસ્ટમ લગાવશે, જેથી ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસમાં ઓછી વિઝિબિલિટીમાં પણ પાયલટ ફ્લાઇટને ટેકઓફ-લેન્ડ સરળતાથી કરી શકશે. આ ઉપરાંત ફ્લાઇટને ડાયવર્ટ કરવાની પણ જરૂર નહીં પડે. કેટ-1 એપ્રોચ લાઇટમાં સૌથી આગળ લીલા કલરની લાઇટ હોય છે, જે રન વેના ટચ ડાઉન થ્રેસ હોલ્ડ એરિયાની જાણ પાયલટને હજારો મીટર ઊંચાઈથી કરતી હોય છે.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના રહેવા મુજબ સુરત એરપોર્ટ પર કેચ-1 એપ્રોચ લાઇટ સિસ્ટમ લગાવવાથી ફ્લાઈટના લેન્ડિંગમાં પણ સરળતા થશે. જ્યારે બંને તરફ લાલ લાઇટ હોય છે, જે વિંગ એરિયા સ્પષ્ટ કરે છે અને ત્યાર પછી ફ્લેશ લાઇટ હોય છે, જે રન વે અને ગ્રાઉન્ડ એરિયાને સ્પષ્ટ કરે છે. ઉપરાંત પાયલટને ફાઇનલ એપ્રોચ ટચ ડાઉન એરિયાની જાણ કરે છે. હાલમાં સુરત એરપોર્ટ પર સાદી એપ્રોચ લાઇટ છે. એરપોર્ટ દરિયાથી નજીક હોવાથી ચોમાસા સિવાય પણ અહીં વાતાવરણમાં અનેકવા૨ પલટા આવી વિઝિબિલિટી ઘટી જાય છે.