Site icon Revoi.in

સુરતની તાપી નદી બની પ્રદૂષિત, કેમિકલ ઠલવાયાની શંકા, નદીના પાણીનો રંગ પણ બદલાયો

Social Share

સુરતઃ ગુજરાતમાં સાબરમતી સહિત નદીઓ પ્રદૂષિત હોવાનો તાજેતરમાં રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. ત્યારે તાપી નદી પણ પ્રદૂષિત બની રહી છે. કહેવાય છે. કે, તાપી નદીના કિનારે અનેક ઉદ્યોગો આવેલા છે. કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી તાપી નદીમાં ઠાલવી દેવામાં આવતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. બીજીબાજુ તાપી નદીના શુદ્ધીકરણ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે ફરી એક વખત તાપી નદી દૂષિત જોવા મળી રહી છે.  તાપી નદીનો કલર બદલાતાં લોકોમાં પણ ચર્ચા જાગી છે.

સુરત મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ  એસએમસી દ્વારા તાપી નદીને પ્રદૂષિત બનતી રોકવા તકેદારી રાખવામાં આવે છે. જોકે તાપી નદીમાં એકાએક જ પાણીના રંગમાં ફેરફાર થયો છે, એ બાબતે તંત્રને જાણ થઈ નથી. પણ અધિકારીઓએ આ સંદર્ભે તપાસ શરૂ કરી દીધી છે. દરમિયાન  શહેર તાપી નદીના પાણી પર નિર્ભર છે. સુરતમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, એના થકી સુરત શહેરને પીવાનું અને વપરાશ માટેનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ ઝોનમાં કેટલીક સોસાયટીમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી હતી. આ ફરિયાદોની વચ્ચે જ તાપી નદીના પાણીનો કલર જોઈને લોકોની સમસ્યાનો અંત આવશે એવું જણાતું નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, તાપી નદીમાં ક્યારેક જળકુંભી તો ક્યારેક દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. જળકુંભીના કારણે પણ તાપી નદીની દયનીય સ્થિતિ થઈ જાય છે. વધુ પડતી જળકુંભીને કારણે પાણીમાંથી દુર્ગંધ આવે છે. હાલ તાપી નદીનું જે પાણી છે, એમાં લીલો કલર દેખાઈ રહ્યો છે. એનાથી શહેરભરમાં ચર્ચા છે કે પાણી ખૂબ દૂષિત થઈ રહ્યું છે. જે વિયર કમ કૉઝવેમાંથી સુરતીઓને પીવાનું પાણી મળી રહ્યું છે એમાં દૂષિત પાણીનો સંગ્રહ થયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તાપી નદીનો ઉદગમ  સ્થાન મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળા  છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને વહેતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિમીની છે. સુરત એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને એના માટે સુરતને સૂર્યપુર કહેવાય છે અને તાપી નદી સુરતની જીવાદોરી સમાન છે.