સુરેન્દ્રનગર: રાજ્યમાં એકબાજુ કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશતથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, તેવામાં કેરળમાં કહેર વરસાવનારા પશુઓના લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગએ ઝાલાવાડમાં દેખા દેતા તંત્ર દોડતું થયુ છે. જોકે જિલ્લાના વેટનરી તબીબો પશુ રોગને વાયરલ રોગ ગણાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાયોમાં એક ભયંકર રોગ ફાટી નીકળ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ગાયોમાં લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગના લક્ષણો જોવા મળતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લામાં પશુઓમાં રોગના લક્ષણો દેખાયાને એક મહિના થઈ ગયો છે. મોટી સંખ્યામાં ગાયો સંક્રમિત થઈ હોવાનું કહેવાય છે. હાલ સુરેન્દ્રનગરના એક પણ પશુ દવાખાનાઓમાં પશુ ડોક્ટર નથી. જિલ્લાના પશુ પાલકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, કારણ કે અહીં એક પછી ગાયમાં આ રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. પશુપાલકો ખાનગી વેટનરી ડોક્ટર્સ પાસે ગાયોને લઈ જાય છે, જોકે ખાનગી તબીબો આ રોગને વાયરલ ગણાવી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગના લક્ષણોની વાત કરીએ તો ગાયને આ રોગમાં શરીર પર ગુમડા થાય છે, પરું નીકળે છે અને તેના પર માખી-મચ્છર બેસ્યા બાદ આ રોગ ફેલાઇ છે. આ રોગ થયા બાદ ગાયોનું દૂધ બંધ થઈ જાય છે અને ખોરાક પણ ઘટી જાય છે. અનેક ગૌ શાળાઓ અને તબેલાઓની ગાયોમાં લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગના લક્ષણો દેખાયા છે. ઉલ્લેખનિય છે કે ભારતના 15 રાજ્યોમાં વાઇરલ ડિસિઝ ફેલાયો છે. એટલું જ નહીં, સુરેન્દ્રનગર સિવાય સૌરાષ્ટ્રના પશુઓમાં પણ લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગ દેખાયો છે. જેમાં ધ્રાંગધ્રા અને પાટડીમાં કેસ સામે આવ્યા છે. તથા રાજકોટના બેડી ગામમાંથી પશુના સેમ્પલ લેવાયા હોવાનું કહેવાય છે. પશુઓમાં ઇજાના નિશાન જેવા ચકામાં પડે છે તથા પશુઓને ચાંદા પડવા, ફૂટવા, જીવાત પડવી, તાવ આવવો જેવા આ રોગનાં લક્ષણો છે. લમ્પી સ્કીન ડિસીઝ રોગની ઝપેટમાં 150થી વધુ પશુઓ આવ્યા છે. જિલ્લામાં 5 લાખથી વધુ પશુધન પર ખતરો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને દુધાળા ઢોર-ઢાંખરમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ ધ્યાને આવતા પશુપાલકો ચિંતિત બન્યા છે.