Site icon Revoi.in

ઝાલાવાડ પર મેઘરાજા થયા મહેરબાન, વઢવાણમાં બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં પણ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સાર્વત્રિક વરસાદ પડ્યો છે.ચોમાસા દરમિયાન અત્યાર સુધી પ્રમાણમાં ઓછો વરસાદ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવાર સવારથી મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. સમગ્ર જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. વઢવાણમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ સિવાય ધ્રાંગધ્રામાં સાડા ત્રણ ઇંચ, લીંબડીમાં અઢી ઇંચ, મુળીમાં દોઢ ઇંચ અને સાયલામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.

ઝાલાવાડમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં સરેરાશ ઓછો વરસાદ પડ્યો હતો. પરંતુ બીજો રાઉન્ડના પ્રારંભથી જ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં શુક્રવારે સવારથી મેઘરાજાએ બધડાટી બોલાવી હતી. સવારના 11:30 વાગ્યે વરસાદ શરૂ થયો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા સુરેન્દ્રનગર શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેથી રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે વઢવાણમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ ખાબક્યો હતો. વઢવાણમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેના લીધે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.

જિલ્લાના ધ્રાંગધ્રામાં એક કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના લીધે ચારેકોર પાણી પાણી થઈ જવા પામ્યું છે. જ્યારે લીંબડી તાલુકામાં પણ અઢી કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ચુડામાં કડાકા ભડાકા વીજળી સાથે મંદિરની છત પર પડતાં સામાન્ય નુકસાન થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના તાલુકામાં અષાઢ બાદ શ્રાવણ મહિનામાં પણ સામાન્યથી લઈ અને ચાર ઇંટ જેટલો વરસાદ વરસ્યો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.