સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ચોરી બેરોકટોક થતી હોવાની ફરિયાદો ઊઠી હતી. પીજીવીસીએલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વીજચોરી સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. વીજકંપનીએ જાન્યુઆરી માસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં સઘન વીજચેકિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના દરેક જિલ્લા પૈકી સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી 3.76 કરોડ રૂપિયાની વીજચોરી માત્ર જાન્યુઆરી માસ દરમિયાન જ પકડવામાં આવી છે જ્યારે બીજા નંબરે કચ્છ-ભુજ જિલ્લામાંથી 3.72 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. અત્યાર સુધી રાજકોટ અને કચ્છ-ભુજમાં સૌથી વધુ વીજચોરી પકડાતી હતી પરંતુ જાન્યુઆરી-2022 દરમિયાન ચેકિંગ ઝુંબેશમાં આખા સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ વીજચોરી કરવામાં સુરેન્દ્રનગર પ્રથમ અને બીજા નંબરે કચ્છ-ભુજ છે. ત્રીજા નંબરે મોરબીમાં 2.96 કરોડની વીજચોરી પકડાઈ હતી.
પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં 1.51 કરોડની અને ગ્રામ્યમાં 1.28 કરોડની વીજચોરી પકડી હતી. એક મહિના દરમિયાન સૌરાષ્ટ્રમાંથી 84275 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 10023 કનેક્શનમાં ગેરરીતિ પકડી હતી અને પાવરચોરી કરનારાને દંડ ફટકારવામાં આવ્યો હતો. પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચના પ્રમાણે પીજીવીસીએલની સૌરાષ્ટ્રની વિભાગીય કચેરીઓ દ્વારા વીજચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના સંવેદનશીલ વિસ્તારોમાં હજુ પણ ચેકિંગ ડ્રાઈવથી વીજચોરી કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વીજકંપની હેઠળ વિશાળ દરિયાકાંઠો પણ આવે છે, જંગલો આવે છે, પહાડો આવે છે. આ તમામ જગ્યાએ અનેક મુશ્કેલીઓ વચ્ચે પાવર પૂરો પાડવામાં આવી રહ્યો છે. સાથે સાથે અનેક ગામડાંઓમાં ખેતીવાડીમાં, શહેરના સંવેદનશીલ રહેણાક વિસ્તારોમાં અને ઔદ્યોગિક એકમોમાં ખુબ વીજચોરી થઇ રહી છે. પરંતુ પીજીવીસીએલમાં હજુ પણ સ્ટાફની અછત હોવાને કારણે ટીમ તમામ જગ્યાએ ચેકિંગ માટે પહોંચી શકતી નથી. પીજીવીસીએલના અધિકારીઓની ટીમ કામ કરી રહી છે, આ એક લાંબાગાળાની પ્રક્રિયા છે.
ભારત સરકારના ઊર્જામંત્રાલય દ્વારા કરાયેલા દેશની 41 વીજકંપનીઓના રેન્કિંગમાં સૌરાષ્ટ્રની પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ સહિત રાજ્યની ચારેય વીજકંપનીઓને A+ ગ્રેડ મળ્યો હતો. ગ્રાહકલક્ષી શ્રેષ્ઠ સેવાઓ, રેવન્યૂ રિકવરી, વીજ કનેક્શન, વીજલોડ, ગ્રાહકોની ફરિયાદો, કેટલા સમયમાં નિરાકરણ સહિતની બાબતોમાં કરાયેલા રેન્કિંગમાં પીજીવીસીએલને સતત નવમા વર્ષે એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત થયો છે. આ વર્ષે 22 રાજ્યોની 41 કંપનીઓ પૈકી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓ મોખરે રહી છે અને એ-પ્લસ ગ્રેડ મળ્યો છે.