સુરેન્દ્રનગરઃ જિલ્લા અને તાલુકાના લોકોના પ્રશ્નો તથા ફરિયાદ સ્થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્યમંત્રી દ્વારા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવાની સુચના આપ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં તા. 21/2/2024ના રોજ ગ્રામ્ય કક્ષાનો તેમજ દરેક તાલુકા કક્ષાનો અને તા. 22/2/2024ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા. 10/2/2024ના રોજ સાંજના 6 કલાક સુધીમાં ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો, ફરિયાદો જે તે તાલુકા વિકાસ અધિકારીને તેમજ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાના મામલતદારને પહોંચતા કરવા તથા જિલ્લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો કલેકટર કચેરી ખાતે પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવ્યુ છે. અરજીમા મથાળે મુખ્યમંત્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.
અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી એક કરતા વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય અક્ષરો ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજીઓ પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં.