- બાઈક સ્લીપખાતે ચાલકને થઈ હતી ગંભીર ઈજા
- હોસ્પિટલમાં તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યાં હતા
- પરિવારજનોએ અંગદાનની ઈચ્છા જાહેર કરી હતી
અમદાવાદઃ બહેનોની રક્ષા કરવા ભાઇ સંકલ્પબધ્ધ હોય છે. બહેનના જીવનમાં ગમે તેવી ક્ષણ આવે, મુશકેલી આવે, પડકાર આવે ભાઇ તેની પડખે રહી બહેનની રક્ષા કરવા તૈયાર જ હોય છે. બહેન ભાઇના આ અતૂટ બંધનને અકબંધ રાખવા જ દેશમાં રક્ષાબંધન ઉજવાય છે. પરંતુ ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે એક કરૂણ ઘટના બની . મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની પ્રકાશભાઇ કે જેઓ અમદાવાદમાં રોજીરોટી મેળવવા કેટલાક સમયથી સ્થાયી થયા હતા. તેઓ રક્ષાબંધનના રોજ અમદાવાદ થી સુરેન્દ્રનગર માદરે વતન પોતાની બહેનો પાસે રાખડી બંધાવવા માટે જઇ રહ્યાં હતા. અમદાવાદ થી સુરેન્દ્રનગર બાઇક પર જતા ગામના થોડા જ અંતર પહેલા તેમનું બાઇક સ્લીપ થઇ ગયું. તેઓ રસ્તા પર પડ્યા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. પ્રારંભિક તબક્કે તેઓને સુરેન્દ્રનગરની એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા તબીબોને ઇજા ગંભીર જણાઇ આવતા તેઓએ પ્રકાશભાઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા. જીવન અને મરણ વચ્ચે 6 દિવસની લડત આપ્યા બાદ પ્રકાશભાઇને બે દિવસ પહેલા તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.
બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ હવે અંગદાન માટે પરીવારજનોએ મળી સર્વસંમતિથી દીકરા પ્રકાશના તમામ અંગોનો દાન કરવાનો નિર્ણય કરીને અન્યોના જીવ બચાવવાનો પ્રેરણાદાયી નિર્ણય કર્યો. પ્રકાશભાઈ ના અંગદાનથી મળેલ બે કીડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ અને હૃદય યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે . આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આઇ હોસ્પિટલ માં આઇ બેંકમાં સ્વીકારવામા આવશે. આમ આ અંગદાન થી કુલ ચાર લોકોની જીંદગી આપણે બચાવી શકીશુ . તેમજ બે લોકો ને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 162 અંગદાતાઓ થકી કુલ 524 અંગો નું દાન મળેલ છે. જેના થકી 508 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે પ્રકાશભાઈ ના પરિવારજનોએ સાચા અર્થમાં “બધા ભારતીયો મારા ભાઈ બહેન છે” તે વાક્યને આત્મસાત કરી આપણે તમામ ભારતીયો સમય આવે એકબીજા માટે કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બધું જ કરી છૂટવા તૈયાર હોઈએ છીએ તે સાબિત કરી બતાવ્યું છે.
#OrganDonation #LifeSavingDonation #SurendranagarHeroes #DonateLife #HopeThroughDonation #GiftOfLife