સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના કામલપુર ગામે સામાન્ય વાતે બે જુથ બાખડી પડ્યા હતા. અને બે રાઉન્ડ ફાયરિંગ કરાતા લાલભાઈ ભરવાડ નામના યુવાનને ઈજાઓ થતાં સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કામલપુરમા બે જૂથ વચ્ચે અથડામણ બાદ બે રાઉન્ડ ફાયરિંગ કરાતા એક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે. આ બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી સહિતનો જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ફાયરિંગની ઘટનાની જાણ થતાં બજાણા પોલીસ મથકના પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે કમાલપુર ગામે દોડી આવીને તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં પાટડી અને બજાણા પોલીસ દ્વારા કમાલપુર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગામમાંથી ગાયો સહિતના માલઢોરને ન લઈ જવા બાબતે બંને કોમ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સામાન્ય ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરી લેતા બે રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ભાગી ગયા હતા. આ બનાવમાં લાલાભાઇ સોમાભાઈ ભરવાડ ( ઉમર 45 વર્ષ )ને પગમાં ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાનમાં વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી સહિતનો જિલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે