સુરેન્દ્રનગરઃ શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં વઢવાણ અને સુરેન્દ્રનગરમાં રસ્તાઓ પર અડિંગો જમાવીને બેઠેલા ઢોર ઠેર ઠેર જોવા મળતા હતા. રખડતા ઢોરને લીધે ટ્રાફિક સમસ્યા પણ વકરી હતી. આ અંગે નગરપાલિકાના સત્તાધિશો રજુઆતો છતાં કોઈ પગલા લેતા નહતા. આખરે રાજ્ય સરકારે સુચના આપ્યા બાદ હવે નગરપાલિતાનું તંત્ર સફાળું જાગ્યુ છે. અને રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરાતા નાગરિકોને રાહત થઈ છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પણ રખડતા ઢોરનો આંતક વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રસ્તા ઉપર રખડતા ઢોરો નાના બાળકોને પાડી દેતા હોય, ઇજાઓ પહોંચાડતા હોય, શહેરી વિસ્તારમાં પસાર થતા લોકોને પણ અડચણરૂપી સાબિત થતા હોય તેવી ફરિયાદ નગરપાલિકાને મળતી હતી. છતાં પગલાં લેવામાં આવતા નહતા. આખરે રાજ્ય સરકારના શહેરી વિભાગે પરિપત્ર કરીને રખડતા ઢોર સામે કડક પગલાં લેવીની તાકીદ કરતા આખરે નગરપાલિકા એક્શનમાં આવ્યું છે. સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા રખડતા ઢોર ડબે પુરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રોજના સરેરાશ 20થી વધુ રખડતા ઢોર ડબે પુરવામાં આવી રહ્યા છે. અને આ અંગે રખડતા ઢોર ડબ્બે પૂરીને પકડાયેલા ઢોરને રાખવા અંગેની વ્યવસ્થાઓ તથા તેમની તમામ પ્રકારનો ખયાલ રહે તે પ્રકારની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ઉભી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ટિમો સવારે અને સાંજે શહેરી વિસ્તારમાં નીકળી અને રસ્તે રખડતા ઢોરોને પાંજરે પુરી અને તેમને ઢોર વાડામાં મૂકી રહી છે. ખાસ કરીને દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે બજારમાં પણ લોકોની ભીડ હોય છે, ત્યારે આવા રખડતા ઢોર જો બાખડે તો સ્થાનિક લોકોને હડફેટે લઈ લે અને તેમને ઇજાઓ પણ પહોંચાડે તેવા પ્રકારના બનાવો તાજેતરમાં બન્યા હતા. હવે નગરપાલિકાએ રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરતા લોકોએ રાહત અનુભવી છે.