Site icon Revoi.in

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ડ્રાઈવર-કંડકટરની ઘટને લીધે 44 રૂટ્સ બંધ કરવા પડ્યાં

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરના એસટી ડેપોમાંથી બસની સુવિધા ન મળતી હોવાની વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોમાં અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે ડ્રાઈવરો અને કંડકટરોની અછતને કારણે એસટી બસના સંચાલનમાં અસર પડતા અંદાજે 44 ટ્રીપ બંધ હોવાનું બહાર આવ્યું હતું. જેથી જિલ્લાના 20થી વધુ ગામડાંઓમાં એસટી બસના દર્શન દુર્લભ બન્યા છે. અને આ બાબતે ડેપો મેનેજર દ્વારા પણ રાજકોટ વિભાગીય કચેરીએ અવારનવાર જાણ કરી હોવાનું જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એસટી વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચાર ડેપોમાંથી અંદાજે 160થી વધુ બસ દોડાવીને સંચાલન કરાઈ રહ્યું છે. પરંતુ સુરેન્દ્રનગર ડેપોમાં ડ્રાઈવરો-કંડકટરોની ઘટના કારણે સલામતીની સવારીની કેટલી ટ્રીપો બંધ હોવાનું બહાર આવ્યું હતું. જિલ્લામાં એસટી બસોની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ અને મૂસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. સુરેન્દ્રનગર ડેપોમાં જૂના સંચાલન (કોરોના પહેલાના) પ્રમાણે કુલ 63 શેડ્યુલ ચાલુ હતા અને આ શેડ્યુલ ચાલુ રાખવા માટે 142 ડ્રાઈવર અને 142 કંડક્ટરની જરૂરિયાત રહી હતી. હાલમાં આ ડેપોમાં 56 શેડ્યુલ એટલે કે 300થી વધુ ટ્રીપ ચાલુ છે. જેના સંચાલન માટે 132 ડ્રાઇવર અને 132 કંડક્ટર જોઇએ. સુરેન્દ્રનગર ડેપો ખાતે હાલમાં 109 ડ્રાઇવર, 99 કંડક્ટર અને 7 જેટલા ડ્રાઇવર કમ કંડકટર છે.પરિણામે હાલના સંચાલનમાં પણ ડ્રાઇવરની 25, કંડક્ટરની 28 જેટલી રોજીંદી ઘટ પડે છે. જેની અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થતા હાલમાં 9 શિડયુલ સાથે 44 ટ્રીપ બંધ હોવાનું બહાર આવ્યુ હતુ. આ ટ્રીપોની અસર જિલ્લાના અંદાજે 20થી વધુ ગામડાઓમાં થાય છે.

ઝાલાવાડ પંથકમાં ઘણાબધા ગામડાઓમાં એસટી બસ બંધ હોવાથી ગ્રામ્યજનોને હાલ તો ખાનગી વાહનોમાં ભાડા ખર્ચીને મુસાફરી કરવી પડે છે. આ અંગે સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજર સંજયભાઈ પરમારે જણાવ્યું કે, સ્ટાફની ઘટના કારણે શેડયુલ અને ટ્રીપો પર અસર થઇ છે. આ બાબતે રજૂઆતો પણ આવે છે જેને લઇને રાજકોટ વિભાગીય કચેરીમાં અવારનવાર લેખિત તેમજ મિટીંગોમાં પણ રજૂઆતો કરાઈ છે. નવા કંડકટરોની ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે. ડિસેમ્બર-2021 સુધીમાં નવા કંડકટરો આવે તો સંપૂર્ણ સંચાલન કરી શકાય તેમ છે. સુરેન્દ્રનગર ડેપોમાં કર્મીની ઘટના કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ છે. ત્યારે જે હાલમાં સ્ટાફ છે તેમાંથી પણ ઘણા ડ્રાઇવર-કંડકટરો સતત બીમારી સહિતના કારણે ગેરહાજર રહે છે. પરિણામે હાલની પરિસ્થિતિમાં 5 જેટલા ડ્રાઇવરો અને 4 કંડકટરો એમ કુલ 9 કર્મીઓ પણ ગેરહાજર હોવાનું બહાર આવ્યુ હતુ.