સુરેન્દ્રનગરઃ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા સુરેન્દ્રનગરમાં છેલ્લા એક દાયકામાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. હાલ સુરેન્દ્રનગર અને વઢવાણની સંયુક્ત નગરપાલિકા છે. હવે જો જોરાવરનગર અને રતનપરને પણ સુરેન્દ્રનગર શહેરમાં મર્જ કરી દેવામાં આવે તો શહેરને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળી શકે તેમ છે. આથી વઢવાણ, જોરાવરનગર, રતનપર જોડિયા શહેરોને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવાની માગ પ્રબળ બની છે. હાલ સંયુક્ત નગરપાલિકામાં સુવિધાને બલે દુવિધા વધી છે. ત્યારે કોંગ્રેસ, આપ જેવા વિરોધ પક્ષો લોકસભા ચૂંટણી પહેલા મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો આપવાની માગ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીએ સુરેન્દ્રનગરને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો આપવા આવેદન પાઠવીને લડતના મંડાણ કર્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાને ભેળવીને સંયુક્ત નગરપાલિકા બનાવવામાં આવી હતી. પરંતુ સંયુક્ત પાલિકાના કુલ 13 વોર્ડમાં વિસ્તારો લાંબા અને વધી જતા સમસ્યાઓ વધી છે. વઢવાણ અને દૂધરેજ જેવા વિસ્તારોમાં પાણી વીજળી, ભૂગર્ભ ગટર, રસ્તા જેવા અનેક પડકારો ઊભા થયા છે. લોકસભા ચૂંટણીમાં શહેરી વિસ્તારોમના પ્રશ્નો શાસક પક્ષ ભાજપ માટે પડકારરૂપ બન્યા છે. લોકસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકાની કામગીરી સૌથી મોટો મુદ્દો બને તેમ છે. શહેરી મતદારોને મનાવાવ મ્યુનિ.કોર્પોરેશનો માસ્ટર સ્ટ્રોક રમવાનું રાજકીય ગણિત મંડાઇ રહ્યું છે. વઢવાણ, ધ્રાંગધ્રા સહિતના શહેરી પાલિકાને ગ્રાન્ટો આપી વિકાસનો રસ્તો તેજ બનાવાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર નગરપાલિકાને મ્યુનિ, કોર્પોરેશન દરજ્જો આપવામાં આવે તો સુવિધા વધે પરંતુ પ્રોપર્ટી ટેક્સ સહિતના વેરામાં બમણો વધારો થાય તેમ છે. હાલ પણ ઘણાબધા લોકો પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી.