સુરેન્દ્રનગરઃ જિલ્લાનો સૌથી મોટા ગણાતો ભાદર નદી પરનો ધોળીધજા ડેમને ભર ઉનાળે નર્મદા કેનાલ દ્વારા છલોછલ ભરી દેવામાં આવ્યો છે. આ ડેમ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના ગામોને સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે ડેમમાં કેનાલના પાણી ઠાલવી પુરો ભરી દેવાતા ઓવર ફ્લો થયો હતો.
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમના એન્જિનિયરે જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર- કચ્છમાં ઉનાળા દરમિયાન પીવાનુ પાણી પુરૂ પાડવા માટે નર્મદા કેનાલમાંથી ધોળીધજા ડેમમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. જેનાકારણે ડેમ 100 ટકા ભરાઇ જવાથી ઓવર ફ્લો થયો હતો.આથી ભોગાવો નદીમાં પાણી છોડાયુ હતુ. હાલ ડેમની પાણીની સપાટી 98 ટકાએ સ્થિર છે. આમ ડેમ ઓવર ફ્લો થતા કોઇ જાનહાની ન થાય માટે તાકીદના પગલે શહેરના જિલ્લા પંચાયતથી બહુમાળી ભવનને જોડતા કોઝવે અને વઢવાણ જીઆઇડીસી કોઝવે પર આડશો મુકી લોકોને પસાર થતા અટકાવી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.આમ જિલ્લાના ડેમમાં પાણી આવતા લોકોને પીવાના પાણીની સમસ્યા ઉનાળામાં નહીં રહે તેવી આશા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, મોરબી, અને છેક કચ્છ સુધીના વિસ્તારોમાં નર્મદાનું પાણી પાઈપલાઈન દ્વારા પહોંચાડવામાં આવી છે. નર્મદા યોજના આ તમામ વિસ્તારો માટે જીવાદોરી સમાન બની છે. રાજકોટના આજી ડેમ, તેમજ અન્ય ડેમો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવે છે, એટલે ધોળી ધજા ડેમમાં નર્મદાનું પાણી કેનાલ વાટે ઠાલવીને ત્યારબાદ અન્ય વિસ્તારોને પાણીનું વિતરણ કરવામાં આવે છે. અને એટલે જ ધોળી ધજા ડેમને પાણીયારૂ ગણવામાં આવે છે. ધોળી ધજા ડેમ ભરવાથી આજુબાજુના વિસ્તારોમાં પાણીના તળ પણ ઉપર આવ્યા છે.