સુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલ ઉપર ઠેર ઠેર ગાબડાં છતાં તંત્રને મરામતનો સમય મળતો નથી
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના મુખ્ય શહેર ગણાતા સુરેન્દ્રનગર શહેરના સરદારસિંહ રાણા પુલ ઉપર નાનાં-મોટાં ગાબડાંઓની પડ્યા છે. છતાં મ્યુનિના સત્તાધિશોને પુલની મરામત માટેનો સમય મળતો નથી.મુખ્યમંત્રી ફંડમાંથી ગાબડાંઓ પુરવા માટે મોટી-મોટી ગ્રાન્ટ પણ સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ નગરપાલિકાને ફાળવવામાં આવી હતી. તેમ છતાં પણ સરદારસિંહ રાણા પુલ ઉપર અવારનવાર મોટી માત્રામાં ગાબડા પડે છે. તેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ ભારે પરેશાન થઈ રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલ પરથી રાજકોટ તેમજ કચ્છ, ધ્રાંગધ્રા, હળવદ, મોરબી સહિતના સ્થળોએ જવા માટે રોજબરોજ કેટલાય વાહનો પસાર થાય છે. પુલ ઉપરથી પસાર થતા વાહનોને ગાબડાંના કારણે પરેશાન થવું પડે છે. નવાઈની વાત તો એ છે કે, ફૂટપાથ ઉપર પણ ગાબડાં પડી ગયા હોવાના કારણે પસાર થતાં રાહદારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. વાહનચાલકો ગાબડા તારવવાના બદલે ચાલીને જતા લોકો સુધી તેમનું વાહન અકસ્માત સર્જાય તે રીતે પહોંચી જતું હોવાનું જાણવા મળે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રોડ-રસ્તાઓની હાલત સારી નથી. જિલ્લાનાલખતરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા દરવાજાથી પેટ્રોલ પંપ પાછળનો રોડ બિસ્માર હાલતમાં છે. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. લખતર ગઢની રાંગવાળા શિયાણી દરવાજાથી બસ સ્ટેન્ડ નજીક આવેલા પેટ્રોલ પંપ પાછળના સરાઉંડિંગ રોડ ઉપર યોગ્ય પૂરાણ નહીં કરવામાં આવતા આ રસ્તે ફોર વ્હીલર વાહન ચાલી શકે તેમ નથી. તો ટુ વ્હીલર વાહનચાલકોને પંચર પડવાનો કે કમરનો દુ:ખાવો થવાની તકલીફો સર્જાય તેવો બિસ્માર રોડ છે. તંત્ર આ અંગે કોઈ કાર્યવાહી કરતું ન હોવાની ફરીયાદો ઉઠી છે. આ રસ્તો તાત્કાલિક યોગ્ય રીતે રિપેર કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.