Site icon Revoi.in

બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે જેથી અત્યાર સુધીમાં લગભગ 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી વરસાદને વિરામ લીધો છે. પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને પગલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી તંત્ર પણ સાબદુ બન્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આવતીકાલથી વરસાદી ગતિમાં વધારો થવાની સંભાવના છે. જેથી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં હળવાથી મઘ્ય વરસાદનું અનુમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. જેથી રાજ્યના 207 જેટલા જળાશયોમાં અત્યાર સુધીમાં 75 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ 78 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તેમજ અત્યાર સુધીમાં 65 જેટલા ડેમ ઓવરફ્લો થયા છે.