રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા અપાઇ સૂચના
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાલ સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજ્યની તમામ જેલોની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જોઈને, ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર નજર રાખી રહ્યા છે
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહેલા ગૃહ રાજ્ય મંત્રી, રાજ્યના પોલીસ વડા, આઈબીના વડા અને સીઆઇડી ક્રાઇમના વડા અને ગૃહવિભાગના સચિવ
રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા ચાલી રહી છે આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી
અમદાવાદ : રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ આજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.
આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.