અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ તથા સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટની સફળતા બાદ હવે વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટેની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ફ્રાંસની એક કંપનીને પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જે ચાલુ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે. એટલે કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની વાજતે-ગાજતે જાહેરાત કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વડોદરા, રાજકોટ, જામનગર તથા ભાવનગરને મેટ્રો રેલ સેવા આપવાની દિશામાં નિર્ણય લેવામાં આવ્યો છે અને ફ્રાંસની એક કંપનીને પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે અને વર્ષાંત સુધીમાં વિસ્તૃત પ્રોજેકટ રીપોર્ટ આપવા કહેવામાં આવ્યુ છે. જો કે ઓછી વસતીને ધ્યાને રાખીને તથા પ્રોજેકટ ખર્ચ નીચો રાખવા માટે મેટ્રો લાઈટ પ્રોજેકટ હાથ ધરવાનું આયોજન છે. મેટ્રો રેલ કોર્પોરેશનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ચારેય શહેરોમાં મેટ્રો નીયો અથવા મેટ્રો લાઈટ પ્રોજેકટ તૈયાર કરાશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, મૂળભૂત મેટ્રો રેલ પ્રોજેકટ કરતા મેટ્રો નીયે અને મેટ્રો લાઈટ પ્રોજેક્ટમાં ખર્ચ ઘણો ઓછો થાય છે. ફ્રાંસની કંપનીએ કામ શરુ કરી દીધુ છે અને 2022ના અંત સુધીમાં વિસ્તૃત પ્રોજેકટ રીપોર્ટ તૈયાર થઈ જવાની શકયતા છે. રાજયના શહેરોના લાંબાગાળાના વિકાસને લક્ષ્યમાં રાખીને જ ચારેય શહેરો માટે મેટ્રો રેલ સેવા માટેની યોજના નકકી કરવામાં આવી છે. આ પ્રોજેકટની જવાબદારી મેટ્રો રેલ કોર્પોરેશનને આપવામાં આવી છે. વિસ્તૃત પ્રોજેકટ રિપોર્ટ અંતર્ગત ફ્રાંસની કંપની મેટ્રો રેલ સેવા માટેના સંભવિત ઓપરેટીંગ કોરી ડોર, ટ્રાફીક ડીમાંડ, દરેક શહેરમાં વિકાસની તક, ફીઝીબીલીટી સહિતના પાસાઓનો સર્વે કરીને વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરશે. આ કંપની જાહેર પરિવહન ક્ષેત્રની ટોચની ક્ન્સલ્ટીંગ કંપની છે. (file photo)