અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વરસાદને પરિણામે થયેલા નુકશાન સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરવા માટે ટીમો બનાવી દેવામાં આવી છે તેના પર સતત મોનિટરીંગ કરી અસરગ્રસ્તોને સહાયરૂપ થવા વહિવટી તંત્રને સુચનાઓ આપવામાં આવી છે. તેમ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વહિવટી તંત્રની સતર્કતા અને સજ્જતાને પરિણામે વરસાદના પ્રથમ રાઉન્ડમાં ઓછામાં ઓછા માનવ મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ કુલ સરેરાશ 496 મિ.મી એટલે કે 58 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ૨૩૭ તાલુકામાં ૧૨૫ મીમી કરતાં વધુ એટલે કેપાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામે રાજ્યમાં હાલ કુલ 55.41 લાખ હેકટર વિસ્તારમાં એટલે કે 64 ટકા વિસ્તારમાં વાવેતર થયુ છે. જેમાં મુખ્ય પાક મગફળી 15.63 લાખ હેક્ટર, કપાસ 23.11 લાખ હેક્ટર, કઠોળ અને અન્ય ધાન્ય પાકો 5.45 લાખ હેકટર વિસ્તારનો સમાવેશ થાય છે.
રાજ્યમાં હાલની સ્થિતિએ ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ મળી કુલ 8 જિલ્લાઓના 38 તાલુકાઓમાં કૃષિ પાકો અસરગ્રસ્ત થયા છે. અસરગ્રસ્ત તાલુકાઓના કુલ 120 સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે તથા 29800 હેક્ટર વિસ્તારમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ છે તથા પાણી ભરેલ વિસ્તારમાં પાણી ઉતરે તેમ તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી પ્રગતિમાં છે.સર્વે કામગીરી તમામ વિસ્તારોમાં પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નિયમોનુસાર ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે,રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારમાં 60 હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા હતા તેમને પોષ્ટિક ભોજન સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓ સ્થાનિકતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદના વહેતા પાણીના વહેણ સહિત અન્ય જગ્યાએ ફસાયેલા 1513 જેટલા નાગરિકોને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો સાથે સંકલનમાં રહીને વહીવટી તંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામના જીવ બચાવી લેવાયા છે.
મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં કુલ 14642 બસ રૂટમાંથી જે રૂટ બંધ થયા હતા તે તમામ રૂટ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા. નાગરિકોને ઓછામા ઓછી અગવડ પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. રાજ્યનાં 18 હજાર ગામો પૈકી માત્ર 1 ટકા ગામોમાં વીજળી બંધ હતી.
મંત્રી વઘાણીએ કહ્યુ કે,નવસારી જિલ્લામાં અબોલ પશુઓ માટે સૂકા ઘાસચારાની માંગ આવતા સરકારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ 4 કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો અનેતેનું વિતરણ શરૂ પણ કરી દેવામાં આવ્યુ છે. વરસાદે વિરામ લેતા નવસારીમાં મકાન અને આરોગ્ય સર્વે કામગીરી 132 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાને તાત્કાલિક ધોરણે બે એડિશનલ કલેક્ટર તેમજ પાંચ ડેપ્યુટી કલેકટર પણ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય, મહેસૂલ સહિત સંબંધિત વિભાગોના નોડલ ઓફિસરો પણ પુન:વસનની કામગીરીમાં જોડાયા છે.
પ્રવક્તા મંત્રીએ કહ્યુ કે,રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે 207 જેટલી મહત્વની જળ પરિયોજનાઓમાં 54.94 ટકા જેટલો જળસંગ્રહ થયો છે જેના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં પાણીની તંગી વર્તાશે નહી. રાજ્યના 206 જળાશયોમાં હાલ 3.13 લાખ એમ.મી.એફ.ટી જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહ શક્તિના 56.11 ટકા જેટલો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 1,77,066 એમ.મી.એફ.ટી જળસંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 53 જેટલો જળસંગ્રહ છે.