Site icon Revoi.in

દિલ્હીમાં ISISના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝ ઝડપાયો

Social Share

નવી દિલ્હીઃ ISISના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની રાજધાની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. NIAની યાદીમાં તે મોસ્ટ વોન્ટેડ હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ સફળતા મેળવી છે. NIAએ આતંકવાદી શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. વ્યવસાયે એન્જિનિયર શાહનવાઝ પુણે ISIS કેસમાં વોન્ટેડ હતો. તે માત્ર દિલ્હીનો રહેવાસી છે. પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગીને તે દિલ્હીમાં છુપાઈ ગયો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર IS મોડ્યુલ આ વર્ષે પુણેમાં બહાર આવ્યું હતું. પુણે પોલીસના ખુલાસા પર NIAએ પણ તપાસ કરી હતી. બાદમાં શાહનવાઝની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. ત્યારથી તેનું લોકેશન દિલ્હીમાં સતત મળી રહ્યું હતું. NIAએ શાહનવાઝ સહિત ચાર આતંકવાદીઓ પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ઈનપુટ મળ્યા બાદ આ આતંકવાદી દક્ષિણ પૂર્વ દિલ્હીમાંથી ઝડપાયો હતો. શાહનવાઝની પૂછપરછ બાદ વધુ 3-4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે શાહનવાઝ દિલ્હીમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ આઈએસના શંકાસ્પદ આતંકવાદીને ઝડપી લઈને તેની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આ ઉપરાંત તેના સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.