નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જેથી સત્તા કોના હાથમાં આવશે તેને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન પાકિસ્તાનમાં સત્તાની કમાન સંભાળવા માટે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોએ હાથ મીલાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નવાઝ શરીફના ભાઈ અને પૂર્વ વડાપ્રધાન શહબાઝ શરીફે બિલાવલ ભુટ્ટો અને આસિફ અલી ઝરદારી સાથે બંધ બારણે લંબાણપૂર્વકની બેઠક કરી હતી. જેમાં સાથે મળીને પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે બંનેએ સહમતી દર્શાવી હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPT) કેન્દ્ર અને પંજાબ પ્રાંતમાં ગઠબંધન સરકાર બનાવવા માટે સંમત થયા છે. પીએમએલ-એન પ્રમુખ શહેબાઝ શરીફે પીપીપીના વડા બિલાવલ ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મળ્યા અને તેમને દેશ માટે સાથે મળીને કામ કરવા આમંત્રણ આપ્યું હતું.
રિપોર્ટ અનુસાર, શાહબાઝ પંજાબના મુખ્યમંત્રી મોહસિન નકવીના ઘરે પીપીપીના ટોચના નેતાઓને મળ્યા હતા. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, શહેબાઝે ઝરદારી સાથે સરકાર બનાવવાની ચર્ચા કરી અને તેમને PML-N સુપ્રીમો નવાઝ શરીફનો સંદેશ પણ આપ્યો હતો. શાહબાઝે પીપીપી નેતાઓને દેશમાં રાજકીય અને આર્થિક સ્થિરતા માટે પીએમએલ-એન નેતૃત્વ સાથે બેઠક યોજવા જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે ઝરદારી અને શાહબાઝ પંજાબ અને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સંમત થયા છે. બંને પક્ષો આગામી બેઠકમાં પોતપોતાના મંતવ્યો રજૂ કરશે અને સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાને આખરી ઓપ આપશે કે કઈ વ્યક્તિ કયું પદ સંભાળશે. આ બેઠક 45 મિનિટ સુધી ચાલી હતી.
એક દિવસ પહેલા પીએમએલ-એનના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે દેશને બચાવવા માટે તમામ રાજકીય પક્ષોને ગઠબંધન સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. લાહોરના મોડલ ટાઉનમાં પોતાના પક્ષના કાર્યકરોને સંબોધતા નવાઝ શરીફે દાવો કર્યો હતો કે ચૂંટણીમાં પીએમએલ-એન સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ દરમિયાન શાહબાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ ત્યાં હાજર હતા.
ત્રણ વખત વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફે કહ્યું હતું કે, “મને લાગે છે કે દેશને મુશ્કેલીના આ વમળમાંથી બહાર કાઢવાની જવાબદારી આપણી છે. પાકિસ્તાનને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે અમે બધાને આમંત્રિત કરીએ છીએ. આવો, આપણે સાથે બેસીએ.” દેશ માટે કોણે શું કર્યું એ બધા જાણે છે. પીએમએલ-એનના ટ્રેક રેકોર્ડ વિશે બધા જાણે છે.” “અમે અન્ય તમામ પક્ષોના આદેશનું સન્માન કરીએ છીએ, પછી તે પક્ષો હોય કે અપક્ષો. અમે તેમને આમંત્રિત કરીએ છીએ કે તેઓ અમારી સાથે બેસીને પાકિસ્તાનને મુશ્કેલીઓમાંથી બહાર કાઢે. અમારો એજન્ડા પાકિસ્તાનની સમૃદ્ધિ છે.”
266 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ 97 બેઠકો જીતી છે. આમાંના મોટાભાગના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પીએમએલ-એન પાર્ટીએ ચૂંટણીમાં 72 બેઠકો જીતી છે. જ્યારે પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની પીપીપીએ 52 બેઠકો જીતી છે.