Site icon Revoi.in

ગુજરાતમાં વન રક્ષકની ભરતી પરીક્ષાનું લીક થયાની આશંકા, પ્રશ્નોના જવાબો લખેલી કાપલી મળી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. આજે લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે. મહેસાણાના ઊંઝાના ઉનાવા સેન્ટર પર એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી એક કાપલી મળી આવતા તંત્રએ ઉમેદવાર પર કોપી કેસ કરી તપાસ શરૂ કરી છે. ચાલુ પરીક્ષાએ ઉમેદવાર પાસે તમામ સવાલોના જવાબ લખેલી કાપલી કઈ રીતે પહોંચી તેને લઈ સવાલો ઉઠ્યા છે. કાપલીમાં જે જવાબો છે તે પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જ જવાબ છે કે નહીં તે અંગે હજી સુધી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, જે કાપલી ઝડપાઈ છે તે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ચૂકી છે.

 

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હજી પણ ભરતી પરીક્ષાનું પેપર ફૂટવાનો સિલસિલો હજી પણ યથાવત છે. ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. વન રક્ષક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. મહેસાણાના ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર લીક થયું હોવાનું કહેવાય છે.ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષથી આ જ સિલસિલો ચાલી રહ્યો છે. સરકારી નોકરી માટે વિદ્યાર્થીઓ મહામહેનતે પરીક્ષા આપે છે, અને ત્યાં આવી શરમજનક ઘટના બને છે. મહેસાણાની ઉનાવા મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાં જે પેપર ફૂટ્યુ હતું, તેમાં લેટર પેડ પર એ જ સવાલો છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે. ત્યારે આખરે આ પેપર આવ્યુ ક્યાંથી, તેની તપાસ કરવામાં આવી છે.

રાજ્યમાં વન રક્ષક – વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી. કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું. વર્ષ 2018 માં ભરતી માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી. આખરે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા બાદ આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. લેખિત કસોટી બાદ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાની હતી, તે પહેલા જ પેપર ફૂટવાની ઘટના બની છે. પરીક્ષા માટે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા હોવાથી વયમર્યાદા વટાવી ચુકેલા ઉમેદવારોને રાહત આપવાનો નિર્ણય પણ લેવાયો હતો.