સુરત નજીક GIDCમાં ગાયના શુદ્ધ ઘીના નામે બનાવાતો 8000 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો પકડાયો
સુરતઃ જિલ્લામાંથી વધુ એકવાર પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓલપાડ નજીક માસગામની જીઆઈડીસીમાં એલસીબી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડીને 50 લાખથી વધુનો 8000 કિલો ઘીનો જથ્થો સિઝ કર્યો છે. જીઆઈડીસીમાં ફુડ અને ડ્રગ્સ વિભાગે FSLની મદદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાયના શુદ્ધ દેશી ઘીના રેપરો લગાવીને નકલી અને ભેળસેળવાળુ ઘી ડબ્બાઓમાં પેક કરીને વેચાણ માટે મોકલવામાં આવતું હતુ.
સુરત જિલ્લામાંથી આવર નવાર બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ ઘી બનાવી માર્કેટ વેચાણ કરવાના બનાવો વધી રહ્યા છે. ઓલપાડ તાલુકામાંથી છેલ્લા બે મહિનામાં ત્રીજીવાર ડુપ્લીકેટ ઘીનો જથ્થો પકડાયો છે. ઓલપાડની માસ જીઆઇડીસીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો સુરત જિલ્લા એલસીબી અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત બાતમીની આધારે ઝડપી પાડ્યો હતો. આશરે 50 લાખથી વધુની કિંમતનો 8000 કિલોથી વધુનો જથ્થો ઝડપી પોલીસે એફ.એસ.એલ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા હતા. હાલ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી એફ.એસ.એલના રિપોર્ટ બાદ ગુનો નોંધવામાં આવશે. હાલ તો પોલીસે ઘી ક્યાંથી આવ્યું અને ગોડાઉન મલિકની શોધખોળ શરૂ હાથ ધરી હતી.
સુરત જિલ્લામાં નકલી ઘી, નકલી દારૂ, નકલી મરી મસાલાઓની ફેકટરી કે ગોડાઉનો પકડાવું હવે સામાન્ય વાત બની ગઈ છે. કારણ કે થોડા થોડા દિવસે આ બ્રાન્ડેડ વસ્તુઓના નામે ચાલી રહેલી નકલી ફેકટરી-ગોડાઉન ઝડપાઈ રહ્યા છે. ત્યારે વધુ એક સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લીધો હતો. સુરત ગ્રામ્ય એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઓલપાડ તાલુકાના માસમાં ગામની GIDC વિસ્તારમાં આવેલી હની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ભર્યો છે.