- સિંચાઇ વિભાગ દ્રારા તમામ ડેમ સાઇટ પર સતત મોનિટરીંગ
- સૌરાષ્ટ્રના 31 જેટલી ડેમસાઇટ વિસ્તારમાં વરસાદ નોંધાયો
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ચાર દિવસ પહેલા જ ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયા બાદ ચોમાસાનો માહોલ જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. આજી 2 ડેમ અને મચ્છુ 2 ડેમ ઓવરફલો થયા છે જેમાં બંન્ને ડેમના ચાર દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા છે.આ ઉપરાંત 20 જેટલા ડેમોમાં બે ફુટ થી લઇને 14 ફુટ સુધી પાણી આવ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ હળવાથી ભારે નોંધાઈ રહ્યો છે. આ દકમિયાન હવે જળાશયોમાં પણ નવી આવકો નોંધાઈ રહી છે. રાજકોટ જિલ્લાના જળાશયોમાં સારી આવક જૂન માસ દરમિયાન નોંધાઈ હતી. સિંચાઈ વિભાગના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના 31 જેટલી ડેમસાઇટ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદ આવવાને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. સિંચાઇ વિભાગ દ્રારા તમામ ડેમ સાઇટ પર સતત મોનિટરીંગ કરવામાં આવ્યું છે તથા કન્ટ્રોલરૂમ પણ ચાલું છે. જેમાં જો કોઇ ડેમ ઓવરફલો થાય તો તેના અસરગ્રસ્ત ગામડાંઓને સાવચેત કરવા અને નિચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા સુધીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી જળાશયોમાં હજુ નવા પાણીની આવક થવાની આશા છે.