Site icon Revoi.in

સ્વચ્છતા હી સેવા’ અભિયાન, ગુજરાતભરમાં બે મહિના સુધી સફાઈ અભિયાન વ્યાપક બનાવાશે

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 15 સપ્ટેમ્બરથી 2ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં હાથ ધરાયેલી વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ આ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન રાજ્યમાં આગામી બે મહિના સુધી વધુ વ્યાપક બનાવીને સમગ્ર રાજ્યમાં જનસહયોગથી સ્વચ્છતા સફાઈ અભિયાન આગળ ધપાવવા આ બેઠકમાં સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં શહેરી વિકાસ વિભાગ અને પંચાયત તથા ગ્રામ વિકાસ વિભાગ તેમ જ અન્ય સંબંધિત વિભાગોને આગામી આઠ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત સફાઈ સ્વચ્છતા કાર્યક્રમો યોજવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે શાળા-કોલેજો, વાંચનાલયો, બસમથકો, રેલવેસ્ટેશન ધાર્મિક સ્થાનો તેમ જ પ્રવાસન યાત્રાધામોમાં આ અભિયાન સાથોસાથ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આપેલા ‘નિર્મળ ગુજરાત’ના વિચારને પણ ચરિતાર્થ કરવો છે.

વડાપ્રધાનએ ગાંધી જયંતિ પૂર્વે ‘એક તારીખ, એક કલાક, એક સાથ’ના સ્વચ્છતા અભિયાન માટે આપેલા કોલને ગુજરાતે સઘન સ્વચ્છતા-સફાઈ અભિયાનથી સાકાર કર્યો છે, તેની સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી. આ સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યનાં 18 હજાર ગામોમાં 2.67  લાખથી વધુ કાર્યક્રમો યોજીને અંદાજે  3.92  કરોડ લોકોની જનભાગીદારીથી ગાર્બેજ-ફ્રી ભારતની નેમ પાર પાડવામાં આવી છે. એટલું જ નહીં, શહેરી ક્ષેત્રોમાં 26 હજારથી વધુ વિસ્તારોમાં લાખો લોકોની સહભાગીતાથી સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ લોકો, જન-પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, સૌના શ્રમદાનથી ગુજરાતને ‘સ્વચ્છતા હી સેવા’માં અગ્રેસર રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે સરકારી વસાહતો, કચેરીઓ, જાહેર સ્થળો, સાથે વોટરબોડીઝની સાફસફાઈને પણ સાંકળી લેવાનું આયોજન કરાશે.રાજ્યનાં મહાનગરોમાં પ્રવેશમાર્ગોની હદથી પાંચ કિલોમીટર સુધીનો વિસ્તાર, નગર પાલિકા વિસ્તારમાં પ્રવેશમાર્ગોની હદથી 2 કિલોમીટર સુધીનો વિસ્તાર તેમ જ ગ્રામ વિસ્તારોમાં મુખ્ય રસ્તા, હાઈવેને જોડતાં મુખ્ય માર્ગોની ગ્રામ પંચાયતો દ્વારા દર રવિવારે અવશ્ય સાફસફાઈ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા-કોલેજો, જાહેર સ્થાનોની, રોજબરોજની સાફસફાઈ ઉપરાંત વધુ પ્રમાણમાં કચરો એકત્ર થતો હોય તેવાં સ્થળોની સફાઈ અને લીગસી વેસ્ટના યોગ્ય નિકાલ માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ હેતુસર રાજ્ય સરકારના શિક્ષણ, શહેરી વિકાસ, પંચાયત અને ગ્રામવિકાસ તથા પ્રવાસન સહિતના વિભાગો, હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચથી આ સફાઈ અભિયાન ઉપાડી લે તેવું પ્રેરક આહવાન કર્યું હતું.

મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર સચિવો અશ્વિની કુમાર, મોના ખંધાર, મનીષા ચન્દ્રા, હારિત શુક્લા, સહિત સંબંધિત વિભાગોના સચિવશ્રીઓ આ સમીક્ષા બેઠકમાં જોડાયાં હતાં.