- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો કાન્ફરન્સથી મ્યુનિ.કમિશનરો, કલેકટરો સાથે કરી ચર્ચા,
- સ્વચ્છતા અભિયાનને જનભાગીદારીથી સફળ બનાવાશે,
- “સેવાસેતુ”ની 10મી કડીનું રાજ્યવ્યાપી આયોજન
ગાંધીનગરઃ સ્વચ્છતાના જન આંદોલનના અને સુશાસનના પ્રેરણાસ્રોત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-2024 ’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની સામુહીક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને ગુજરાતભરમાં જન ભાગીદારીથી જ્વલંત સફળતા અપાવવાનો નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યના મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને અભિયાનના આયોજનને અપાઈ રહેલા આખરી ઓપની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં માર્ગદર્શન આપતા કહ્યું કે, રાજ્યભરમાં સ્વચ્છતા-સફાઈના કાર્યક્રમો સતત અને નિરંતર વર્ષ દરમિયાન પણ ચાલતા રહે તેવું મિકેનિઝમ ગોઠવીને જ આપણે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ને સાચા અર્થમાં સાર્થક કરી શકીશું.
તેમણે રાજ્ય સરકારના પારદર્શી, સંવેદનશીલ અને પ્રો-એક્ટિવ વહીવટી તંત્રને વધુ વેગવાન બનાવીને પ્રજાજનોની વ્યક્તિગત રજૂઆતોના સ્થળ પર નિકાલ માટેના અભિનવ પ્રયોગ “સેવાસેતુ” ના 10મા તબક્કાના આયોજનની પૂર્વ તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.
ગુજરાતમાં “સ્વચ્છતા હી સેવા-2024 ” અભિયાન અને સેવાસેતુનો 10મો તબક્કો બન્ને તા. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 31મી ઓક્ટોબર સુધી જનભાગીદારી સાથે યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ બન્ને જનહીત લક્ષી કાર્યક્રમોના વિસ્તૃત કાર્યઆયોજનના પ્રેઝન્ટેશન વિડીયો કોન્ફરન્સમાં કરવામાં આવ્યા હતા. મહાનગરો અને જિલ્લાઓમાં આ કાર્યક્રમો સંદર્ભે તંત્રની સજ્જતાની ઝીણવટ પૂર્વકની સમીક્ષા મુખ્યસચિવ રાજકુમારે કરી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યુ હતું કે, આ વર્ષનું સ્વચ્છતા હી સેવા-2024 અભિયાન મુખ્ય ત્રણ પિલ્લર્સ પર યોજવામાં આવશે.
તદનુસાર ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ આયડેન્ટીફાય કરીને તેની સાફ-સફાઈ નિશ્ચિત સમયમર્યાદામાં કરવા સાથે સમગ્રતયા સામાન્ય સાફ-સફાઈને પણ અગ્રતા આપાશે. રાજ્યમાં અત્યાર સુધીમાં આવા 14778 સી.ટી.યુ.ની ઓળખ કરી લેવામાં આવી છે.
આ અભિયાનમાં વ્યાપક પણે જનભાગીદારી જોડવા સ્વચ્છતા શપથ, શેરી નાટકો, વોલ પેઈન્ટીંગ, વેસ્ટ ટુ આર્ટ ઉપરાંત સ્વચ્છતાની થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સરકારી કચેરીઓમાં પણ સ્વચ્છતા-સફાઈને પ્રોત્સાહિત કરવા જિલ્લા-રાજ્ય સ્તરીય સ્વચ્છ કચેરી સ્પર્ધાઓ યોજાશે અને સ્વચ્છતાના સામુહિક શપથ લેવડાવવામાં આવશે.
સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ સફાઈ વાહકોની સુરક્ષા માટેની શિબીરો, હેલ્થ ચેકઅપ કેમ્પ્સ અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભ તેમને આપવાની બાબતનો પણ આ અભિયાનના ત્રીજા પિલ્લર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્રામિણ વિસ્તારોમાં આ “સ્વચ્છતા હી સેવા-2024”માં વિવિધ પેરામિટર્સ-માપદંડોમાં શ્રેષ્ઠતા-ઉત્કૃષ્ટતા માટે શ્રેષ્ઠ જિલ્લા, તાલુકા અને ગામો મળી કુલ રૂ. 34.80 કરોડના 222 પુરસ્કારો નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “સ્વચ્છતા હી સેવા”ના આ અભિયાનમાં જાહેર સ્વચ્છતા-સફાઈ સાથે વરસાદને પરિણામે માર્ગો, ગટરોને થયેલા નુકશાનની મરામત કરીને એન્જીનીયરીંગ અને સેનીટેશનને પણ આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા હતાં.
તેમણે ‘સેવાસેતુ’માં જે વિવિધ યોજના-લાભો લોકોને મળવાપાત્ર છે તેમાં લાભાર્થીને સંતોષકારક વ્યવસ્થા સાથે સ્થળ પર જ સમસ્યા નિવારણની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાનું પણ માર્ગદર્શન આપ્યું હતુ.
આ વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવો સર્વશ્રી પંકજ જોષી, એમ.કે. દાસ તેમજ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.