રામાયણને લઈને વિવાદીત ટીપ્પણી કરનારા સ્વામી પ્રસાદ મૌર્યે સમાજવાદી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
લખનૌ: સ્વામી પ્રસાદ મૌર્યે સમાજવાદી પાર્ટી સાથેના પોતાના સંબંધોને સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદેથી 13 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું. મંગળવારે તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા અને એમએલસી પદેથી પણ રાજીનામું આપ્યું છે. આના પહેલા અખિલેશ યાદવે સોમવારે આપેલા નિવેદનને ટાંકીને સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યુ હતુ કે અખિલેશની સરકાર ન તો કેન્દ્રમાં છે અને ન તો રાજ્યમાં છે, કંઈક આપવાની હેસિયત નથી. તેમણે જે પણ આપ્યું છે, તેને હું સમ્માનથી પાછું સોંપી દઈશ. મારા માટે પદ નહીં વિચાર મહત્વ ધરાવે છે. અખિલેશયાદવની કહેલી વાત તેમને મુબારક. સોમવારે અખિલેશ યાદવે સ્વામી પ્રસાદ મૌર્યના બાગી તેવરોને લઈને કહ્યુ હતુ કે કોઈના મનમાં શું છે, એ કેવી રીતે જાણી શકાય છે. કેટલાક લોકો લાભ માટે આવે છે અને લાભ લઈને ચાલ્યા જાય છે.
અખિલેશ યાદવની આ ટીપ્પણી પર સોમવારે પણ સ્વામી પ્રસાદ મૌર્ય ખૂબ ભડક્યા હતા. સોમવારે ખબર પડી હતી કે સ્વામી પ્રસાદ મૌર્ય પોતાની અલગ પાર્ટી બનાવી રહ્યા છે. આ પાર્ટીનો ઝંડો સામે આવ્યો હતો. સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યુ હતુ કે 22 ફેબ્રુઆરીએ તેઓ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. માનવામાં આવે છે કે આ કાર્યક્રમમાં તેમના આગામી પગલાનો ખુલાસો થશે. સ્વામી પ્રસાદ મૌર્યે મંગળવારે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માધ્યમથી રાજીનામું આપ્યાની જાણકારી આપી હતી. તેની સાથે જ બંને પદો પરથી રાજીનામાની નકલો પણ પોસ્ટ કરી હતી.
સ્વામી પ્રસાદ મૌર્યે એએનઆઈને કહ્યુ હતુ કે અખિલેશ યાદવ સમાજવાદી વિચારધારથી વિપરીત જઈ રહ્યા છે. હું 22 ફેબ્રુઆરીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓની સાથે વાતચીત બાદ પાર્ટી બનવવાના મારા નિર્ણયની ઘોષણા પણ કરીશ. વિધાનપરિષદના સભાપતિને તેમણે મોકલેલા રાજીમામાં કહયુ છે કે હું સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે વિધાનસભા, ઉત્તર પ્રદેશના મતવિસ્તારના સદસ્ય વિધાનપરિષદ તરીકે ચૂંટાયો છું. મેં સમાજવાદી પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપ્યું છે. તેથી નૈતિકતાના આધારે વિધાનપરિષદ, ઉત્તરપ્રદેશની સદસ્યતા પરથી પણ રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને આનો સ્વીકાર કરો.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલેલા રાજીનામામાં સ્વામીપ્રસાદ મૌર્યે કહ્યુછે કે તમારા નેતૃત્વમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કામ કરવાની તક સાંપડી. પરંતુ 12 ફેબ્રુઆરી, 2024ના રોજ થયેલી વાતચીત અને દિનાંક 13 ફેબ્રુઆરીએ આપેલા પત્ર પર કોઈપણ પ્રકારની વાતચીતની પહેલ નહીં કરવાના ફળસ્વરૂપે હું સમાજવાદી પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી પણ રાજીનામું આપી રહ્યો છું.
આના પહેલા જ્યારે 13 ફેબ્રુઆરીએ સ્વામી પ્રસાદ મૌર્યે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારે સુભાસપા અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે તેના પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે આ ડ્રામા છે. રાજભરે કહ્યુ હતુ કે સ્વામીને જો રાજીનામું આપવું હતું, તો એમએલસીના પદ પરથી આપી દેત. સંગઠનમાં તો કોઈપણ સમયે વાપસી થઈ શકે છે. સ્વામી પ્રસાદ મૌર્યે ત્યારે તો કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ મંગળવારે આખરે સમાજવાદી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ અને એમએલસી પદ પરથી રાજીનામા આપ્યા છે.