લખનૌ: વિવાદાસ્પદ નિવેદનબાજી કરીને રામાયણને પણ નહીં છોડનારા સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવના ખાસ સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર વિવાદીત ટીપ્પણીઓ કરીને લાગણીઓ દુભાવી છે. મૌર્યે કહ્યુ છે કે અયોધ્યાના રામમંદિરમાં રામલલા પ્રાણપ્રતિષ્ઠા ઢોંગ અને આડંબર છે. તેમણે કહ્યુ છે કે પ્રાણપ્રતિષ્ઠાથી પથ્થર સજીવ થઈ જાય તો પછી તો કોઈ મરત જ નહીં. આવું થઈ શકે તો પછી મડદાં કેમ ચાલી શકતા નથી.
મહત્વપૂર્ણ છે કે રામચરિત માનસમાં કેટલીક જાતિઓને દર્શાવતા તેના પર અપમાનજનક ટીપ્પણીઓ કરાયાની વાત સ્વામીપ્રસાદ મૌર્યે કરી હતી. સ્વામીપ્રસાદ મૌર્યે અપમાનજનક અંશોને હટાવવા અથવા પુસ્તકને જ પ્રતિબંધિત કરવાની માગણી કરી હતી. આ મામલે સ્વામીપ્રસાદ મૌર્ય સામે એફઆઈઆર પણ થઈ ચુકી છે.
મહત્વપૂર્ણ છે કે 22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના અવસરે દેશદુનિયામાં સનાતનીઓએ દિવાળીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. ત્યારે યુપીની રાજનીતિને લઈને સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય આવી નિવેદનબાજી કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.