અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામતને બાકાત રાખવામાં આવે તેવી શકયતાને પગલે રાજકીય ગરમાવો આવ્યો હતો. તેમજ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં હતા. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત નક્કી કરવા માટે રાજ્ય સરકારે ઓબીસી પંચની રચના કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રચના કરવામાં આવેલા પંચની જેને લઈ હવે પંચની ભલામણને આધારે લોકલ બોડી ઇલેક્શનમાં અનામત નક્કી કરાશે. નિવૃત્ત જસ્ટીસ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવી છે.
આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરોનો તેમજ તેની રાજનીતિક સ્થિતી અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરીને સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલુ છે.
આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપેલો છે.