Site icon Revoi.in

વિભવ કુમારથી જીવનો ખતરો વ્યક્ત કરતા સ્વાતિ માલિવાલ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ આવાસ પર AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપી વિભવ કુમારની જામીન અરજી પર દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સ્વાતિ માલીવાલે વિભવ કુમારના જામીનનો વિરોધ કર્યો હતો. માલીવાલે કહ્યું કે, જો વિભવ કુમારને જામીન મળે તો મને અને મારા પરિવારને મારા જીવનું જોખમ છે. દિલ્હી પોલીસે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

સ્વાતિ માલીવાલના વકીલે કોર્ટમાં કહ્યું કે, FIR નોંધાતાની સાથે જ AAP મંત્રીઓએ દિવસમાં ત્રણ-ત્રણ, ચાર-ચાર વખત પ્રેસ કોન્ફરન્સ કરી અને મને બીજેપીની એજન્ટ કહી હતી. મુખ્યમંત્રી કેજરીવાલ હુમલાના આરોપી વિભવને લખનઉ અને મુંબઈ લઈ ગયા હતા. સ્વાતિ માલીવાલ વતી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની પાસે ટ્રોલિંગની ફોજ છે, એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ સ્વાતિ માલીવાલની સાથે કે સમર્થનમાં બોલશે તેને બક્ષવામાં આવશે નહીં.

સ્વાતિ માલીવાલે કહ્યું, મને સતત ધમકીઓ મળી રહી છે. બળાત્કારની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. સ્વાતિ માલીવાલે કોર્ટમાં કહ્યું કે, જો વિભવને જામીન આપવામાં આવે તો મારા અને મારા પરિવારના જીવને ખતરો હોઈ શકે છે. AAPના રાજ્યસભા સાંસદ માલીવાલે કહ્યું કે, જે સુવિધા અન્ય કોઈને આપવામાં નથી આવી રહી તે વિભવને આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વાતિ માલીવાલ ઉપર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. તેમજ સીએમ હાઉસમાં બનેલી આ ઘટનામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરિવાલને ઘેરવાના ભાજપાએ પ્રયાસ કર્યાં હતા.