અમદાવાદમાં નવા પશ્વિમ ઝોનના સફાઈ કર્મચારીઓની પગારના પ્રશ્ને હડતાળ, 100ની અટકાયત
અમદાવાદઃ શહેરના નવા પશ્ચિમ ઝોનની AMC કચેરી ખાતે સફાઈકર્મીઓની હડતાળ ચાલી રહી છે. આ હડતાળના કારણે છેલ્લા 4 દિવસથી કામકાજ બંધ છે. ત્યારે પગાર ન ચુકવાયો હોવાના કારણે બોપલ-ઘુમાના સફાઈકર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર ન મળતા સફાઈ કામદારોને મોંઘવારીમાં ઘર ચલાવવું મુસ્કેલ બની ગયું છે. એવામાં તહેવારો નજીક છે અને શહેરને સ્વચ્છ રાખતા સફાઈકર્મીઓ સાથે આ વ્યવહારના કારણે રોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મોડીરાત્રે પોલીસે વિરોધ દર્શાવતા સફાઈકર્મીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત સફાઈકર્મીઓએ પોલીસ સ્ટેશનમાં પણ વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ સફાઈકર્મીઓને કાયમી કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. માગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે સફાઈ કામદારો પોલીસ સ્ટેશન બહાર કર્મચારીઓના ધરણા કરવા બેઠાં હતા. શહેરમાં સફાઈ કામદારો દ્વારા પગાર વધારા સહિત વિવિધ માંગોને લઈને હડતાળ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ જેમાં પોલીસે 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. આ સમગ્ર કેસમાં અમદાવાદ મ્યુનિના ડીવાયએમસી ફરીયાદી બન્યાં હતા. સમગ્ર મામલે દક્ષિણ પશ્ચિમ ઝોનના સફાઈ કામદારોની અટકાયત પણ કરવામાં આવી હતી છેલ્લા ચાર મહિનાથી પગાર ન મળ્યાના આક્ષેપ સાથે કર્મચારીઓએ હોબાળો કરતા 30 થી વધુ લોકોને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ડિટેઇન કરી લવાયા હતા અને સફાઈ કર્મીઓ સામે ગેરકાયદેસર મંડળી રચી વિરોધ કરવાનો ગુનો નોંધાયો હતો.